fbpx
ગુજરાત

સોડિયમ નાઇટ્રાઇટ પાણીમાં પીવડાવી પુત્રની હત્યા કરનાર પિતાને ઝડપી પાડતી અમદાવાદ પોલીસ

શહેરના બાપુનગર વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક સમાચાર આવ્યા હતા જેમાં પિતાએ દસ વર્ષના બાળકની હત્યા કરી છે. પિતાએ ઓમ નામના બાળકની હત્યા કરી છે. પિતાએ સોડિયમ નાઇટ્રાઇટ પાણીમાં પીવડાવીને તેની હત્યા કરી હતી. પોલીસે આરોપી પિતા કલ્પેશ ગોહેલની ધરપકડ કરી છે.

પિતાએ પુત્રની હત્યા કરતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. પોલીસે પિતાની ધરપકડ કરી કયા કારણસર તેની હત્યા કરવામાં આવી તેની તપાસ આદરી છે. પોલીસને હત્યાના આ કેસમાં આરોપી તો મળી ગયો છે, પરંતુ હવે હત્યાનું કારણ તપાસવામાં આવી રહ્યુ છે.

પોલીસે બાળકના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પિતાની ઘનિષ્ઠ પૂછપરછ આદરી છે. આરોપીની વધારે પૂછપરછ માટે આગામી દિવસોમાં તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવે તેમ માનવામા આવે છે. પોલીસને પિતાએ બાળકની હત્યા કરી તેના કેસમાં પ્રાથમિક તારણ તો કૌટુંબિક વિવાદ લાગે છે. આ ઉપરાંત ઘરમાં પત્ની સાથે ઝગડો થયો હોવાના કારણે બદલાના ઇરાદાથી પણ કૃત્ય થયું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પિતાને કદાચ પત્નીના ચારિત્ર પર શંકા હોય તેના કારણ પણ તેણે આ કૃત્ય કર્યુ હોવાનું માનવામાં આવે છે.

તેની સાથે પિતાએ હત્યા માટે ઉપયોગમાં લીધેલું કેમિકલ તેને ક્યાંથી મળ્યું તે બાબત પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. આ કેમિકલ તેણે હોસ્પિટલમાંથી મેળવ્યું છે કે કોઈ લેબમાંથી મેળવ્યું છે કે કોઈ કેમિકલની ફેક્ટરીમાંથી મેળવ્યું છે તે પણ પોલીસ જાેઈ રહી છે. હત્યા કરવાના આ નવા કરતબના કારણે પોલીસ પણ આશ્ચર્ય પામી છે.
પોલીસ પણ તે વાત જાણી આશ્ચર્યમાં છે કે પિતાના હાથ પુત્રની હત્યા કરવા માટે કઈ રીતે તૈયાર થયા. આ હાથ જરા પણ ના કાંપયા, કોઈ બીજાના બાળકની પણ હત્યા કરવાનું વિચારતું નથી તે પોતાના બાળકની આ રીતે હત્યા કોઈ કેવી રીતે કરી શકે આ ચર્ચાસ્પદ સવાલ છે.

Follow Me:

Related Posts