અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથ–વસુપુજ્ય જૈન દેરાસરમાંથી રૂ.1.64 કરોડના ચાંદીના આભૂષણો અને શૃંગાર સામાનની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે પૂજારી અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દંપતી સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર કેસ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી સહિત પાંચ શખસની ધરપકડ કરી છે. અમદાવાદના પાલડીમાં આવેલા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં ચોરી મામલે શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના જિલ્લા સચિવ રાજેશ ચંપકલાલ શાહે ફરિયાદમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે મેહુલ રાઠોડ નામના પૂજારી, સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્ની હેતલ ઉર્ફે પુરી, ચોરીનો વહીવટ કરનારા બે વેપારીમાં રોનક શાહ અને સંજય જાગરિયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપી મેહુલ રાઠોડ છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે હતો, આ દરમિયાન છેલ્લા અઢી વર્ષમાં આરોપી પૂજારીએ ટુકડે-ટુકડે 117 કિલોગ્રામથી વધુ ચાંદી ચોરી કરી લીધું હતું. જેમાં ચોરી કરેલા ચાંદીની ઓળખ ન થાય અને તેનો વહીવટ પાડવા માટે બે વેપારીઓ ચોરીનું ચાંદી ગાળીને તેના બદલે નવું ચાંદી ખરીદી લેતા હતા. દેરાસરના ભોયરામાં મૂર્તિની પાછળનું ચાંદીનું જડતર મૂકેલું હતું. જેની ચાવી પૂજારી મેહુલ પાસે રહેતી હતી. આરોપી પૂજારી કટર વડે ચાંદી કટિંગ કરતો અને સફાઈ કર્મચારી મારફતે મંદિરની બહાર ચાંદી લઈ જવાતું હતું. આ પછી આરોપી પૂજારી રોનક અને સંજય નામના વેપારીને ચાંદી વેચી દેતા હતા અને પૈસાથી ફરી નવા ચાંદી ખરીદતા હતા.સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી 48 કિલો ચાંદી રિકવર કર્યું છે, જ્યારે 79 હજાર રૂપિયાના રોકડ અને બોલેરો પીકપ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં મુજબ, ગત 27 જુલાઈ 2023થી 8 ઓક્ટોબર 2025 દરમિયાન દેરાસરમાંથી ચોરી થઈ હોવાનું અનુમાન છે. નિયમિત ચકાસણી દરમિયાન જાણવા મળ્યું હતું કે, દેરાસરની બેઝમેન્ટમાં આવેલા લોકરમાંથી કિંમતી ચાંદીના શણગારના સામાન અને મૂર્તિના આભૂષણો ગુમ હતા.
અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા

Recent Comments