ગુજરાત

સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં અમદાવાદને દેશનું નંબર-૧ સ્વચ્છ શહેર જાહેર કરાતાં સ્વચ્છતામાં પાયાનું યોગદાન આપનારા સફાઈ પ્રહરીઓનું સન્માન કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા અને સૌ નગરજનોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું, એ ગૌરવપૂર્ણ બાબત છે.
સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા જેવી બાબતને કેવું મોટું જનઆંદોલન બનાવી શકે છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે, એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દેશમાં આજે બાળકોથી લઈને વૃદ્ધો સહિત સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે. સ્વચ્છતા આજે સહજ સ્વભાવ બની ગઈ છે. નાનાં ગામડાંથી લઈને મહાનગર સુધી હવે ‘સ્વચ્છતા જ પ્રભુતા‘નો મંત્ર ગૂંજે છે.
શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા તરીકે નહીં, પણ અવસર તરીકે જાેવાનો અભિગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌમાં વિકસાવ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી કરી હતી.
શહેરી વિકાસ અંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૨૦૦૫ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે ૨૦૨૫માં શહેરી વિકાસ વર્ષ ઊજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે. અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે, ત્યારે શહેરમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધાઓ ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આજનો કાર્યર્ક્મ આ વિઝનને દિશા આપતો કાર્યક્રમ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત લોકાર્પણ કરવામાં આવેલા વિવિધ વિકાસ પ્રકલ્પો અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ છે. આ બંન્ને પોલિસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ, ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે. આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક, ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે.
વડાપ્રધાનશ્રીના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં આપણે ઇ-મોબિલિટી પર ખાસ ભાર મૂક્યો છે.
ઇ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થઈ રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આજના આ કાર્યક્રમમાં મોટા ભાગના પ્રકલ્પો પર્યાવરણ જાળવણી સાથે શહેરી વિકાસને વેગ આપનારા છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને વિવિધ ઝોનમાં કુલ ૩૨૦ જેટલા ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટ તૈયાર થયા છે. આપણે નગરોને ગ્રોથ હબની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવવાનાં છે.
મુખ્યમંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને વિકસિત ગુજરાત જ્ર ૨૦૪૭ રોડમેપ બનાવ્યો છે. શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર થયો છે.
આપણે વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે, એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ નગરો-મહાનગરો અને ગામો ગ્રીન, ક્લીન અને સ્વચ્છ બને તથા ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત અને ક્લાયમેટ રિઝીલયન્ટ શહેરો બને તે માટે સૌ કટિબદ્ધ બનીએ એવો અનુરોધ કર્યો હતો.
અમદાવાદ શહેરનાં મેયર શ્રી પ્રતિભાબહેન જૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નો સંકલ્પ આપ્યો છે, જે અંતર્ગત તેમણે શહેરી વિકાસ વર્ષ ઊજવવાનું આહવાન કર્યું છે એ દિશામાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજના પ્રસંગે શહેરી વિકાસ ક્ષેત્રે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું છે.
સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં અમદાવાદને ભારતનું નંબર-૧ સ્વચ્છ શહેર તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે, આ સિદ્ધિ સ્વચ્છ ભારત મિશન અને શહેરીજનોની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Related Posts