ગુજરાત

અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 3 લોકોની ધરપકડ

અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં મોટો ખુલાસો બહાર આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બિલ્ડર મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા કરાવેલી હતી. હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે મારામારી થઈ હતી. મારામારી મુદ્દે રૂડાણીએ લાખાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઓઢવ પોલીસ મથકની હદમાં વિરાટનગર બ્રિજ નીચે લકઝુરિયસ કારની ડીકીમાંથી બિલ્ડર હિંમત રૂડાણી ની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી હતી. દિશાવિહીન કેસનો ભેદ ઉકેલવા ત્રણ-ત્રણ પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે DCP અને ACP એ રાતનો ઉજાગરો કરી સોપારી આપનારા બિલ્ડર મનસુખ લાખાણી અને ત્રણ હત્યારાઓને 24 કલાકમાં જ ઝડપી લીધા.

પોલીસ તપાસમાં વધુ સામે આવ્યું છે કે, મૃતક હિંમત રૂડાણીના પુત્ર ધવલ અને મનસુખ લાખાણીના પુત્ર કિંજલે નિકોલ ગંગોત્રી સર્કલ નજીક ત્રણ કરોડ રૂપિયામાં જમીન ખરીદી અને કોમર્શિયલ બાંધકામ શરૂ કર્યું હતું.

જો કે, 50 ટકા ભાગીદારીનો કરાર હોવા છતાં પૈસા અને જમીનના વિવાદને કારણે બંને વચ્ચે તણાવ ઊભો થયો હતો, જેમાં કિંજલ લાખાણી સામે 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. હવે આનો ખાર રાખી મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યાની સોપારી આપી હતી. હાલ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

Related Posts