ઉત્તરાખંડના કેદારનાથમાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી
ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ કેદારનાથમાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ઋષિકેશ એઈમ્સથી એર એમ્બ્યુલન્સ કેદારનાથ પહોંચ્યું. આ સમયે કેદારનાથના હેલિપેડ પર લેન્ડિંગ કરતા પહેલા જ ક્રેશ થઈ ગયું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શનિવારે ઋષિકેશ એઈમ્સનું હેલિકોપ્ટર કેદારનાથ ધામ પાસે બનેલા હેલિપેડથી ૨૦ મીટર પહેલા લેન્ડ થવાનું હતું. હેલિકોપ્ટર લેન્ડિંગ પહેલા જ ક્રેશ થયું. આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર એક દર્દીને લેવા માટે ઋષિકેશથી કેદારનાથ આવી રહ્યું હતું.
આ અકસ્માત બાબતે એઇમ્સ હોસ્પિટલના પીઆરઓ સંદીપ કુમારે જણાવ્યું હતું કે, આ અકસ્માત હાર્ડ લેન્ડિંગ દરમિયાન સર્જાયો હતો. હેલિકોપ્ટરની ટેલ બૉન તૂટી ગઈ. ગઢવાલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, એર એમ્બ્યુલન્સ ઋષિકેશ એઈમ્સથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર લગભગ હેલિપેડ પર ઉતરી ગયું હતું. આ સમય દરમિયાન, સંતુલન ગુમાવવાને કારણે બેકાબૂ થઈને નીચે અથડાયું હતું. હેલિકોપ્ટરમાં ફક્ત પાયલોટ જ હાજર હતો.
Recent Comments