અમરેલી

ગીરની ગોદમાં ગાંધી વિચારોની મશાલ પ્રજ્વલિત રાખનાર ‘અજાતશત્રુ’: સ્વ. બાલુભાઈ ગઢિયાને ભાવાંજલિ

​ગઈ ધરા તો શું થયું? ખુદ શ્ર્વાસમાં એ નામ છે,

બાલુબાપા, આપનું જીવન જ સેવાધામ છે.

​નથી જરૂરત મંદિર કે મસ્જિદ મહીં શોધવાની,

પીડિતોના સ્મિતમાં જે છે, એ જ પરમધામ છે.

​ખર્યા ભલેને દેહના પાન, પણ મહેક ક્યાં જશે?

માનવતાની આ સુગંધ તો સદા અવિરામ છે.

​હાથ ઉઠ્યા છે સદાયે અન્યના કલ્યાણ કાજે,

આપના દરેક શ્ર્વાસમાં બસ પરોપકારી કામ છે.

​પૂજશે આખી ધરા તમને યુગો સુધી હવે,

કારણ કે સેવાનું જ બીજું બાલુબાપા નામ છે.

​–“પાંધીસર”

તાજેતરમાં જ્યારે સમગ્ર વિશ્વએ ગાંધી નિર્વાણ દિને સત્ય, અહિંસા અને કરુણાના મૂલ્યોને યાદ કર્યા, ત્યારે ગીરના ખોબલા જેવડા તાંતણિયા ગામના એક એવા મનીષીની યાદ તાજી થાય છે જેમણે ગાંધીવાદને માત્ર પુસ્તકોમાં નહીં, પણ પોતાના શ્વાસમાં વણ્યો હતો. સ્વ. બાલુભાઈ કાળીદાસ ગઢિયા જેમને લોકો વહાલથી ‘બાલુબાપા’ કહેતા તેમણે આજીવન ગીરની જનતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ​એક સમૃદ્ધ જમીનદાર કુટુંબમાં જન્મેલા અને ૪૦૦ વીઘા જમીનના વારસદાર હોવા છતાં, બાલુબાપાએ એશ આરામને બદલે ગરીબોના ઉત્કર્ષને પોતાનો જીવનમંત્ર બનાવ્યો. સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને તેમણે નાની ઉંમરે જ સમાજસેવા કાજે ઝંપલાવ્યું. સાહિત્યકાર નાનાભાઈ જેબલિયાએ તેમને ‘મુંડા વગરનો ગાંધી’ કહીને નવાજ્યા હતા, જે તેમના સાદગીપૂર્ણ અને મૂલ્યનિષ્ઠ જીવનનો પુરાવો છે. ​ખાંભા તાલુકો જ્યારે વિકાસથી વંચિત હતો અને જ્યાં વીજળી જેવી પાયાની સુવિધાઓ પણ નહોતી, ત્યારે બાલુબાપાએ ૧૦ વર્ષ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી. તેમની ડેલીએ ૨૪ કલાક જરૂરિયાતમંદો માટે ખુલ્લી રહેતી. ગરીબ ખેડૂત હોય કે અંતરિયાળ નેસડાનો પશુપાલક, બાપાની ડેલીએ દરેકની વેદનાનો ઉકેલ મળતો.

​ગીરના સિંહ, દીપડા અને ઝરખ જેવા હિંસક પશુઓની વચ્ચે, પૂર જેવી કુદરતી આફતો સમયે પણ તેઓ જાનના જોખમે લોકોની વ્હારે ધાતા.

​બાલુબાપાના આ સેવાયજ્ઞમાં તેમના ધર્મપત્ની અંબામા (જેઓ તા. ૮-૩-૨૦૦૯ના રોજ દેહત્યાગ પામ્યા) ખભેખભા મિલાવીને ઊભા રહ્યા. બાપાની ડેલીએ આવતા દરેક મહેમાન અને અધિકારીઓ માટે ‘રોટલો અને ઓટલો’ પૂરો પાડવામાં અંબામાનો ફાળો અમૂલ્ય હતો. બાલુબાપાનો બહોળો પરિવાર.. બાલુબાપાને સાત દિકરીઓ અને બે દિકરા એમ કુલ મળીને નવ સંતાનો હોય કુટુંબ પણ ખૂબ મોટું હતું. હાલ એના બે દિકરાઓનો પરિવાર સુરત મુકામે નિવાસ કરે છે. જો કે નાના દિકરા જયંતભાઈ (બટુકભાઈ) ને હજુ થોડી ઘણી જમીન તાતણિયા મુકામે હોય અવારનવાર સુરત થી તાતણિયા આવે છે. 

​વર્તમાન સમયમાં ગાંધી મૂલ્યોની પ્રસ્તુતતા

​આજે જ્યારે વિશ્વ યુક્રેન અને ઈરાન જેવા સંઘર્ષોથી ઘેરાયેલું છે અને સત્તાની લાલસા ચારેબાજુ દેખાય છે, ત્યારે સ્વ. બાલુભાઈ ગઢિયા જેવા નિઃસ્વાર્થ સેવકોના જીવનમૂલ્યો આપણને નવી ઊર્જા પૂરી પાડે છે. તેમણે પોતાની જમીન અને સંપત્તિ લોકસેવા અર્થે કુરબાન કરી દીધી, જે આજના ભૌતિકવાદી યુગમાં એક દીવાદાંડી સમાન છે.

*​”ફૂલોનો મિજાજ જ ખુશ્બુ ફેલાવવાનો હોય છે, પછી ભલે તે ચમનમાં હોય કે વનમાં…”*

​બાલુબાપા આજે સદેહે આપણી વચ્ચે નથી, પણ તેમના સેવાના કાર્યોની મહેક ગીરની હવામાં આજે પણ અવિરત ગુંજે છે. ગાંધી નિર્વાણ દિને તેમને ચીંધેલા રાહ પર ચાલવું એ જ ખરી  શબ્દાંજલિ અને  સાચું અર્ઘ્ય છે.

-​પ્રસ્તુતિ બિપીનભાઈ પાંધી

Related Posts