અમેરિકાએ ફરી એક વખત ચીન પર ટેરિફમાં ધરખમ વધારો કર્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સામે “બદલાની કાર્યવાહી” ના કારણે ચીનને હવે ૨૪૫ ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડશે. ચીને અમેરિકાના ટેરિફ સામે હાલમાં જ નિકાસ પ્રતિબંધો અને સામા ટેરિફ લાદવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર ટેરિફ ૧૪૫ ટકાથી વધારી ૨૪૫ ટકા કર્યો છે. આ પગલાં સાથે બંને દેશો વચ્ચે ચાલી રહેલો ટ્રેડવૉર ભયાવહ બન્યો છે. વ્હાઈટ હાઉસે ચીનની બદલાની ભાવનાને ધ્યાનમાં લેતાં ટેરિફ ૧૦૦ ટકા વધારી ૨૪૫ ટકા કર્યો હોવાની જાહેરાત કરી હતી.
અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત સાથે જ ચીને સામે વળતો પ્રહાર કરવાનું શરૂ કર્યો હતો. અમેરિકા અને ચીન વારાફરતી એકબીજા પર ટેરિફનો દર વધારી રહ્યા છે. અગાઉ અમેરિકાએ ચીન પર ૧૪૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, તો સામે ચીને અમેરિકા પર ૧૨૫ ટકા ટેરિફ લાદ્યો હતો.
સાથેજ વ્હાઈટ હાઉસે ચીન પર આરોપ મૂક્યો હતો કે, ચીને લશ્કરી, એરોસ્પેસ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ ગેલિયમ, જર્મેનિયમ અને એન્ટિમોની સહિતના હાઈ ટેક મટિરિયલ્સની નિકાસ પર પ્રતિબંધો મૂક્યા હતાં. તેમજ ચીને રેર અર્થ મેગ્નેટ તથા છ હેવી રેર અર્થ મેટલ્સની નિકાસ પણ અટકાવી હતી. જેનાથી વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ખોરવાઈ છે.
Recent Comments