અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા ‘મિશન ખાખી’ અન્વયે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અમરેલી શહેર અને જિલ્લામાં પોલીસ ભરતીની તૈયારી કરતી વિદ્યાર્થિનિઓને માર્ગદર્શન મળે તેવા હેતુથી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને બેટી બચાવો બેટી પઢાઓ અમરેલી સેલ દ્વારા ‘મિશન ખાખી’ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા આયોજિત આ સેમિનારમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત અને એસ.સી.-એસ.ટી સેલના નાયબ પોલીસ અધિક્ષકશ્રી શ્રી નયના ગોરડીયા દ્વારા વિદ્યાર્થિનિઓને પોલીસ ભરતી અને તે માટે તૈયારી કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો વિશે વિગતો જણાવી માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનારમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાતે, તૈયારી પૂર્વે તૈયારીલક્ષી વાંચન માટે સમયપત્રક બનાવવું, પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ જ વાંચન કરવા જણાવ્યું. શિસ્ત અને અનુશાસનથી સફળતા મળીને જ રહે છે તેમ તેમણે જણાવ્યુ હતુ.
નાયબ પોલીસ અધિક્ષકશ્રી નયના ગોરડીયાએ વિદ્યાર્થિનિઓને શું વાંચવું? કેટલું વાંચવું ? વાંચનમાંથી ક્યારે બ્રેક લેવો અને વાંચન સિવાયના સમયે હળવા થવા શું કરવાનું રહે તે બાબતોની વિગતો આપી હતી. તેમણે પરીક્ષાલક્ષી તૈયારી માટેના પોતાના અનુભવો જણાવ્યા હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી શૈલેષ કણઝારિયએ પ્રાસંગિક ઉદ્ધોધન કર્યુ હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થિનિઓને લેપટોબ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ શાખા હેઠળની યોજનાના પેમ્પલેટ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં Dhew અમરેલી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના કર્મયોગીશ્રીઓ, જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્રના કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments