અમરેલી

ગુજરાત સરકારના ‘દુકાન અને સંસ્થા સુધારા વિધેયક’ને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સનો ઉમળકાભેર પ્રતિસાદ…

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર કરવામાં આવેલા ‘ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયંત્રણ અને સેવાની શરતો) (સુધારા) વિધેયક, ૨૦૨૬’ ને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવકારવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સુધારા અંગે પ્રતિભાવ આપતા ચેમ્બરના મહામંત્રી  રાજુભાઈ શીંગાળાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય રાજ્યના લાખો નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

​અગાઉના નિયમ મુજબ, જે સંસ્થાઓમાં ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ કાર્યરત હોય તેમને ફરજિયાત નોંધણી કરાવવી પડતી હતી. નવા સુધારા મુજબ હવે ૨૦ કર્મચારીઓ સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ફેરફારને કારણે

​નાના વેપારીઓને જટિલ વહીવટી પ્રક્રિયાઓ અને પેપરવર્કમાંથી મુક્તિ મળશે.

​લઘુ ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન મળશે.

​વેપારીઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન વ્યવસાયના વિકાસ પર કેન્દ્રિત કરી શકશે.

​રાજુભાઈ શીંગાળાએ વધુમાં ઉમેર્યું હતું કે, “સરકારનો આ નિર્ણય નાના વેપારીઓના હિતમાં લેવાયેલું એક ક્રાંતિકારી પગલું છે. આનાથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને ગુજરાત ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ (વ્યાપાર કરવાની સરળતા) માં સમગ્ર દેશમાં તેનું અગ્રેસર સ્થાન વધુ મજબૂત બનાવશે.”

​આ સુધારા બદલ અમરેલી જિલ્લાના વેપારી આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારના આ અભિગમને બિરદાવવામાં આવ્યો છે.

Related Posts