અમરેલી

અમરેલી જિલ્લાના ખેડૂતના પ્રાકૃતિક કૃષિના અનુભવો છે જાણવાં જેવા…

 છેલ્લાં દસેક વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરતા અમરેલી જિલ્લાના બાબરાના સુખપુર ગામના ખેડૂત શ્રી વનરાજભાઈ ઝાપડિયા પ્રાકૃતિક કૃષિ કરી ખેત પેદાશોમાં ધીકતી કમાણી કરી રહ્યા છે, સાથે જ ઓછાં ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિમાં તેમના આગવા પ્રયોગોથી અન્ય ખેડૂતોના તે રાહબર બન્યા છે.

સામાન્ય રીતે ખરીફ પાકોમાં મગફળી, કપાસ વગેરે ઓરવીને (જમીનમાં વાવેતર પૂર્વે પિયત આપવું) વાવેતર થતું હોય છે પણ રવી પાકના વાવેતરમાં આ પ્રકારનું ચલણ જોવા મળતું નથી અથવા જૂજ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત શ્રી વનરાજભાઈ ઝાપડિયા ઘઉં અને ચણાનું વાવેતર ઓરવીને કરવાની હિમાયત કરે છે. તેમનું કહેવું છે કે, ઘઉં અને ચણાને ઓરવીને વાવવામાં આવે તો જમીન પોચી થાય છે, જમીનમાં રહેલા ખડના બીજ પણ ઊગી નીકળે છે, જેથી નિંદામણનો પ્રશ્ન હાલ થઈ જાય છે. ઉપરાંત બીજનું વાવેતર જમીનના ધડા સુધી એટલે કે થોડું ઉંડુ કરવું પણ આવશ્યક છે, જેથી છોડનું મૂળ પણ મજબૂત બને છે.

તેઓ કહે છે કે, આ રીતે વાવેતર કર્યા પછી ૨૦ દિવસ સુધી પિયત આપવું નહીં ! આમ કરવાથી છોડમાં ફૂટ વધુ પડે છે અને ઘઉંના પાકમાં એક-બે ડુંડી આવતી હોય ત્યાં ૪-૫ ડુંડી આવે છે. તેઓ ઘન જીવામૃત અને છાણિયા ખાતરનો પુષ્કળ ઉપયોગ કરવાને ખૂબ આવશ્યક ગણાવે છે. જેથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે અને પાકને પૂરતું પોષણ પણ મળે.

શ્રી વનરાજભાઈ ચણાના પાકમાં ખેતરમાં પાળા ન બાંધવાનો આગ્રહ રાખે છે. કારણ કે, જમીનની ફળદ્રુપ માટે પાળે ચડી જવાથી પણ ક્યારાની વચ્ચેના ભાગને ઓછું પોષણ મળે છે.

૧૦ ગાયોનું પાલનપોષણ કરતા વનરાજભાઈ ઝાપડિયા પશુપાલનને ખેતીનો અભિન્ન ભાગ ગણાવે છે. શ્રી ઝાપડિયા કહે છે કે, જમીનમાં કાર્બન ઘટતો હોય એટલે છોડમાં નબળાઈ કે રોગ આવે છે તેના સામે છોડને તાકાત આપવા માટે છાણિયું ખાતર ખેતરમાં નાખવું જરુરી છે. ખેડૂતોએ વેચાતું લઈને પણ છાણિયા ખાતરનો ખેતરમાં ઉપયોગ કરવો જોઈએ. આમ, જમીનની ભેજ સંગ્રહ શક્તિ અને ફળદ્રુપતા વધારવા ઘન જીવામૃત અને છાણીયા ખાતરનો ઉપયોગ ખૂબ આવશ્યક છે.

શ્રી વનરાજભાઈએ આગવો પ્રયોગ કરતા જમીનમાં અચ્છાદાન માટે કૃષિ કચરાનો ઉપયોગથી આગળ વધીને સણના કોથળા અને નાળિયેરના વેસ્ટનો પણ ઉપયોગ કર્યો છે. તેઓ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો પર શ્રદ્ધા રાખીને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો આગ્રહ કરતા કહે છે કે, ૨૦૧૪ પહેલાં એટલે કે પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા પૂર્વે રાસાયણિક ખાતરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા, પણ છેલ્લાં દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરતા આ પદ્ધતિ અને તેની વિશેષતાઓ વિશે ખ્યાલ આવ્યો કે રાસાયણિક ખાતરના ઉપયોગથી છોડના મૂળ દાઝી જાય છે. બીજી તરફ પ્રાકૃતિક કૃષિથી મૂળ પોષિત અને મજબૂત બને છે.

શ્રી વનરાજભાઈ કહે છે કે, ખેતી એ કોઈ સામાન્ય કાર્ય નથી, તેના દ્વારા જગતનું પોષણ થાય છે, એટલે જ ખેડૂતોને અન્નદાતા પણ કહેવાય છે. ત્યારે ખેડૂતોએ પણ રાષ્ટ્ર અને લોકોનું હિત ધ્યાને રાખવું જરુરી છે.

શ્રી વનરાજભાઈ ૩૦ વીઘા જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે, તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિથી જમીન અને લોકોની તંદુરસ્તી સુધરે તો છે જ. પરંતુ કમાણી પણ મબલખ થાય છે. પ્રાકૃતિક ખેતી ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવું આવશ્યક છે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેથી જ સાચો આર્થિક ફાયદો થાય છે. તેઓ મગફળી, મરચી, હળદર, લીંબુ, સુરજમુખી, સરગવો સહિત વિવધિ તેલિબિયા-ફળ-શાકભાજી વગેરે પાકોની ખેતીથી લાખોની કમાણી કરી રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિ માટે અન્ય ખેડૂતોના રાહબર બનેલા શ્રી વનરાજભાઈ કહે છે કે, આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા સતત પ્રાકૃતિક કૃષિ અપનાવવા તાલીમ આપવાની સાથે જરુરિયાત મુજબ માર્ગદર્શન મળતું રહે છે. આ ઉપરાંત તેઓએ પ્રાકૃતિક કૃષિના રાજય સરકારના અભિયાનને તેજીથી આગળ વધારવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts