અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક સાયન્સ સીટી અમદાવાદનો અભ્યાસ પ્રવાસ કરાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા CET (કોમન એન્ટરન્સ ટેસ્ટ) પરીક્ષા લેવામાં આવે છે, જે અંતર્ગત અમરેલી જિલ્લામાંથી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ૨ તબક્કામાં યોજાયેલા આ અભ્યાસ પ્રવાસમાં ૬૫૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
વિદ્યાર્થીઓએ આ પ્રવાસ દરમિયાન રોબોટિક ગેલેરી, એકવેટીક ગેલેરી, હોલ ઓફ સાયન્સ, થ્રી-ડી ફિલ્મ, નેચર પાર્ક વગેરે નિહાળી આધુનિક વિજ્ઞાનના રહસ્યો જાણ્યાં અને માણ્યાં હતાં. વિજ્ઞાન જગતના વિવિધ ઉપક્રમોને જોઇ વિદ્યાર્થીઓને કુતુહૂલ અને જિજ્ઞાશા થયા હતા. આ સાથે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
આ પ્રવાસ માટે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જી. એમ. સોલંકીએ જિલ્લા નોડલ તરીકે તથા તમામ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રીઓએ તાલુકા નોડેલ તરીકેની ફરજ બજાવી હતી. પ્રવાસ અંગેની તમામ આયોજન અને વ્યવસ્થાની કામગીરી સાથે પ્રવાસમાં સાથે જોડાયેલા આ અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
શિક્ષણક્ષેત્રના આ વિજ્ઞાન અભ્યાસ પ્રવાસની સરાહનીય પ્રવૃત્તિને અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે.વી. મિયાણીએ બિરદાવી હતી, તેમ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments