અમરેલી

દિવાળીના તહેવારોને લઈ અમરેલી જિલ્લા પોલીસ સતર્ક

દિવાળીના તહેવારને અનુલક્ષીને અમરેલી જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે. તહેવારો દરમિયાન ઘરફોડ ચોરી અને અન્ય ગુનાઓ અટકાવવા માટે પોલીસે સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોને વિશેષ સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરી છે.પોલીસે અપીલ કરી છે કે બહારગામ જતી વખતે કિંમતી વસ્તુઓ, ઘરેણાં અને રોકડ સુરક્ષિત સ્થળે રાખવા. શક્ય હોય તો રહેણાંક વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા અને સિનિયર સિટીઝન (વરિષ્ઠ નાગરિકો)એ નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી. બહાર જતાં પહેલાં ઘરમાં એક લાઈટ ચાલુ રાખવા અને મજબૂત ઇન્ટરલોક સિસ્ટમનો ઉપયોગ કરવાનું સૂચન કરાયું છે. કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક ૧૧૨ નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરવા જણાવાયું છે. આ ઉપરાંત, અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસ, ૨૧ ઓક્ટોબર નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ૧૬, ૧૭ અને ૧૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે યોજાશે. જિલ્લા પોલીસ તંત્રએ તમામ નાગરિકોને આ રક્તદાન કેમ્પમાં જોડાવા અપીલ કરી છે. રક્તદાન કરવા ઈચ્છતા નાગરિકો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.

Related Posts