જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહીને પગલે પાક રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ
આગામી સમયમાં જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે. પાક રક્ષણ માટે રાજ્યના ખેડુતોને તકેદારીનાં પગલા લેવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ છે.
વરસાદથી થતાં પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લો હોય તો તેને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવી. અથવા આવા પાકને પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાંકી દેવા, તે ઢગલાંની ફરતે માટીનો પાળો બનાવી ઢગલાની નીચે વરસાદનું પાણી જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.
ખાતર અને બિયારણના વિક્રેતાઓએ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ જથ્થાને ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.
એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી સાવચતીના આગોતરાં પગલા લેવા, અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. આ દિવસો દરમિયાન એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લાવવામાં આવતી ખેત પેદાશો લાવવાનું ટાળવું અથવા સુરક્ષિત રહે તે રીતે રાખવી.
આ અંગે વધુ વિગતો અને જાણકારી જે-તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામક(તાલીમ)શ્રી, KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments