અમરેલી

અમરેલી ડિવિઝન ટપાલ વિભાગ દ્વારા “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” માટે તમામ પોસ્ટ ઓફિસ ખાતે તા. ૨૩ ફેબ્રુઆરીથી મેગા કેમ્પ યોજાશે

અમરેલી ડિવિઝન ટપાલ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે તા. ૨૩.૦૨.૨૦૨૬ થી તા. ૨૫.૦૨.૨૦૨૬ સુધી તમામ પોસ્ટ ઓફિસ ખાતે ત્રિદિવસીય કેમ્પ યોજાશે. ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના હેઠળ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (પેન્શન યોજના)ના લાભાર્થીઓને મળતી આર્થિક સહાયની રકમ આધાર આધારિત ડી.બી.ટી માધ્યમથી સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય તે માટે આધાર સિડેડ બેંક ખાતુ ખોલાવવું ફરજિયાત છે.

આ મેગા કેમ્પ દરમિયાના લાભાર્થીઓનું આઈ.પી.પી.બીનું ખાતુ ખોલીને આધાર સિડિંગ કરી આપવામાં આવશે. તેમ જ હાલમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ખાતાને આઈ.પી.પી.બી ખાતા સાથે પણ લીંક કરી શકાશે. આ યોજનાના લાભાર્થીઓને આધારકાર્ડ, મોબાઈલ નંબર, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ખાતાની પાસબુક વગેરે લઈને નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts