ઉદ્યોગ સાહસિકતાને સરકારનો યોગ્ય સાથ મળે તો સફળતાના દ્વાર ખૂલે છે, આ વાત અમરેલીના ઉદ્યોગ સાહસિકશ્રી સાગરભાઈ સાવલિયાએ સાર્થક કરી છે. નવો વિચાર અને સાહસના સમન્વય સાથે શ્રી સાવલિયાએ દુર્લભ પ્રકારના સફેદ ચંદનની ખેતી કરી અને વેલ્યૂ એડિશન કર્યુ છે. સફેદ ચંદનનું તેલ હેલ્થ પ્રોડક્ટ તરીકે વપરાતું હોવાથી અને તેની માગ સામે ઉત્પાદન નહિવત હોવાથી શ્રી સાગરભાઈ સાવલિયાએ રાજ્યમાં નવિન ગણાતા આ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. તેમને આ સાહસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમરેલી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના દ્વારા સહાય સબીસીડી આપવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના માલવણ ખાતે પ્લાન્ટ શરૂ કરી સફળતા પ્રાપ્ત કરનાર શ્રી સાવલિયા જણાવે છે કે, અમે રાજાધિરાજ એસેન્સિયલ્સ નામથી ઉદ્યોગ ચલાવીએ છીએ. અમે ચંદનની પ્રોસેસ કરી અને તેમાંથી તેલ, પાવડર સહિતની પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યુ. આ ઉદ્યોગ સ્થાપવા માટે અમને પી.એમ.ઇ.જી.પી. માટે સરકાર દ્વારા ૨૫ ટકા કેપિટલ સહાય, આત્મનિર્ભર પોલીસી અંતર્ગત કેપિટલ સહાય ૨૦ ટકા અને ૦૬ ટકા વ્યાજ સહાય આપવામાં આવી છે જેના માટે અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
શ્રી સાવલિયાએ ઉમેર્યુ કે, આ સફેદ ચંદનની ખેતી માટે વનવિભાગની મંજૂરી સાથે આગળ વધવુ પડે છે. મારા પિતાએ શરૂ કરેલી આ પહેલ દ્વારા રાજ્યમાં અમે પાયોનિયર તરીકે કામ કરી રહ્યા છીએ. ચંદનના તેલનો પ્રતિ એમ.એલ રૂ. ૩૬૦ અને તેથી પણ વધુ ભાવ મળે છે. ઉદ્યોગની કે વેપારની શરૂઆત સાહસથી થાય છે. યુવાનો જો સાહસી બને તો તેમને સંઘર્ષ દ્વારા સફળતા જરૂર મળશે.
શુક્રવારે અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫’ અંતર્ગત યોજાયેલા સમારોહમાં શ્રી સાવલિયાએ ઉપસ્થિત યુવાનોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપી પોતાની સાફલ્યાગાથા વર્ણવી હતી.
Recent Comments