સુશાસન (Good Governance) એ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો. જે તેમની લોકશાહી દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા, પારદર્શિતા, લોકોની આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવાના તેમના વિઝન સાથે જોડાયેલો છે. જેના ભાગરૂપે તેમના જન્મદિવસ એટલે તા. ૨૫ ડિસેમ્બરને ભારતમાં ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં સાર્વત્રિક આરોગ્ય સંભાળના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે આયુષ્માન ભારત-પ્રધામંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ આજે છેવાડાના નાગરિકો-સામાન્ય અને વંચિત નાગરિકો સુધી પહોંચી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં એપ્રિલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ સુધી એક વર્ષના ગાળામાં કુલ ૪૮ હજારથી વધુ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આયુષ્માન આરોગ્ય મંદિરો, આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે.
અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના મહિલા શ્રી હંસાબેન કનુભાઈ જેઠવાને હ્રદયનો દુખાવો થતા તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલે તકેદારીના ભાગરૂપે ઝડપી સારવાર અર્થે એઈમ્સ હોસ્પિટલમાં જવા સૂચન કર્યું હતું. તેમના પૌત્ર શ્રી દેવેન્દ્રભાઈએ તત્કાલ એઈમ્સ હોસ્પિટલમાં પોતાના બા ને દાખલ કર્યા હતા.
શ્રી હંસાબેનના પૌત્ર દેવેન્દ્રભાઈએ જણાવ્યું કે, અમારા માટે આ કટોકટીનો સમય હતો. બા ને હ્રદયમાં બે નળી બ્લોક હોવાનું નિદાન થતા ડોક્ટર ટીમે તત્કાલ સફળ સર્જરી-સારવાર કરીને બા ને નવજીવન આપ્યું છે. વધુમાં ઉમેર્યું કે, મારા બા શ્રી હંસાબેન પાસે પોતાનું આયુષ્માન કાર્ડ હોવાથી અમને નિ:શુલ્કમાં સર્જરી અને સારવાર મળી છે. તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સામાન્ય ગરીબ પરિવારો પાસે આરોગ્ય કવચ ન હોવાના કારણે તેમને મોટી અને ગંભીર બિમારી સમયે આર્થિક સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્માન કાર્ડ ગરીબો માટે આશિર્વાદરૂપ બન્યું છે, સામાન્ય નાગરિકો સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચી રહી છે. આ યોજના અન્વયે ગરીબ, વંચિત પરિવારોને આરોગ્ય કવચ મળ્યું છે.


















Recent Comments