વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી છે.
આજરોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલીના લાઠી રોડ સ્થિત કે.કે.પારેખ ટેક્નિકલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા અંદાજે કુલ રૂ. ૨૧ કરોડના કર્ચે અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર આકાર પામશે.
વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનક તળાવિયા સહિત મહાનુભાવોએ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું.
અમરેલી ખાતે આકાર પામનાર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં વિજ્ઞાન વિષય આધારિત કુલ ત્રણ ગેલેરી હશે. પ્રાદેશિક ગેલેરીમાં ગીર જંગલ, એશિયાટીક સિંહ, બાયોકોસ્ટિક્સ, વન્યજીવન આનુવંશિકતા, લાઈફ સાયન્સ ગેલેરીમાં ડીએનએ હેલિક્સ, મોલેક્યુલર બાયોલોજીથી લઈને ફૂડ અને કૃષિ, સામાન્ય વિજ્ઞાન ગેલેરીમાં મુખ્ય ભૌતિકશાસ્ત્ર અને સમુચીત પ્રયોગો જેમ કે, ક્વોન્ટમ ડેમો, કાર્બન ફૂટપ્રિન્ટ સીમ્યુલેટર, ઉપરાંત પ્લેનેટોરિયમ, ઓડિટોરીયમ, ડિસ્કવરી સેન્ટર, ફૂડ કોર્ટ સહિતના આકર્ષણો હશે.
વિજ્ઞાન અને સંશોધન વિષયમાં રસ ધરાવનાર બાળકો માટે આ વિજ્ઞાન કેન્દ્ર અભ્યાસ માટેનું મહત્વનું પ્લેટફોર્મ બનશે. આ વિજ્ઞાન કેન્દ્ર થકી પરંપરા અને ટેક્નોલોજી વચ્ચે સેતુ સાધવામાં મદદ મળશે. બાળકો અહીં વિજ્ઞાનની નવી દુનિયામાં પગરવ માંડીને અદ્યતન ટેક્નોલોજીનો આનંદ માણવાની સાથે વિજ્ઞાનના અવનવા ખ્યાલો વિષયક જ્ઞાન પ્રાપ્ત કરશે.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકીયા, આર.એસ.સી રાજકોટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડો. સુમિત વ્યાસ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments