અમરેલી જિલ્લાના એક એવા સરદાર પ્રેમી કે, જેમણે સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વમાંથી પ્રેરિત થઈ લોહપુરુષની ૫ હજાર પ્રતિમા સ્થાપવાનો સંકલ્પ કર્યો છે, સરદારના રાષ્ટ્ર માટેના ત્યાગ, બલિદાન અને રાષ્ટ્રને એક તાતણે બાંધવાના ન ભૂતો, ન ભવિષ્યતિ યોગદાનથી ખાસ યુવા પેઢી પ્રેરિત થાય તે માટે રચનાત્મક કાર્યનો એક અનોખો યજ્ઞ શરૂ કર્યો છે.
સરદાર પટેલના આદર્શોમાંથી લોકો પ્રેરણા મેળવે તે માટે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં ૨૪૦૦ જેટલી પ્રતિમાઓનું સ્થાપના કરી ચૂક્યા છે. તેમણે સરદાર પટેલની ૧૪૭મી જન્મજયંતીએ ૧૪૭ પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, એક વીડિયો જોઈને આઘાત લાગ્યો અને દેશમાં સરદાર પટેલની ૮ ફૂટ ઊંચી ૫૦૦૦ પ્રતિમાઓ મુકવાનો સંકલ્પ કર્યો.
આપબળે અને માત્ર ત્રણ ચોપડી ભણેલા બાબરા તાલુકાના ચમારડી ગામના ઉદ્યોગપતિ જે સામાજિક કાર્યો માટે પણ એટલા જ જાણીતા છે તેવા ગોપાલભાઈ વસ્તરપરા- ચમારડીએ સરદારના રાષ્ટ્ર એકીકરણ માટેના અભૂતપૂર્વ કાર્ય અને તેમના વિચારોને જન જન સુધી લઈ જવા માટે તન મન અને ધનથી સમર્પિત ભાવે કાર્ય કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા આઠેક વર્ષથી સરદાર ગાથા અને વિચારોને લોકો સુધી લઈ જવા માટે રચનાત્મક કાર્યોના માધ્યમથી કામ કરી રહ્યા છીએ, આ દરમિયાન એક વીડિયો જોવા મળ્યો હતો જેમાં ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે, સરદાર પટેલનું રાષ્ટ્ર નિર્માણમાં જે ન ભૂતો, ન ભવિષ્યથી યોગદાન છે, તેના વિશે યુવાનો અજાણ હોવાનું જોવા મળ્યું હતું, એટલે જ સરદારના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે વધુ કાર્ય કરવાની પ્રેરણા જાગી.
તેમણે જણાવ્યું કે, સરદારના જીવન કાર્ય અને રાષ્ટ્ર માટેના યોગદાન માટે વધુ સંશોધનો થાય તે માટે ૧૦૦ જેટલા પી.એચ.ડી કરતા વિદ્યાર્થીઓને પાંચ લાખ સુધીની સ્કોલરશીપ આપવાનું પણ આયોજન છે, જેથી સરદાર પટેલના વ્યક્તિત્વના નવા પાસાઓ પણ દેશ સમક્ષ ઉજાગર થઈ શકે.
એક સમયે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ક્યારે આવે છે તેનો પણ ખ્યાલ ન રહેતો. આજે ગામડે ગામડે સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત થવાથી લોકોને જન્મજયંતીના અવસરે લોકો સરદારને યાદ કરે અને તેમાંથી રાષ્ટ્ર ઉત્થાનની પ્રેરણા મેળવે છે.
સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ જ ટુકા ગાળામાં એટલે લગભગ આશરે એકાદ વર્ષના ટૂંકા ગાળામાં દેશની ૫૬૨ દેશી રિયાશતોને એક કરી, રાષ્ટ્ર નિર્માણ કર્યું, તેની ગણતરી એ રીતે કરો કે, જો તેની સરેરાશ સમય જોવામાં આવે તો એક દિવસમાં લગભગ તેમણે દોઢ રાજ્યો ભારત દેશમાં જોડી દીધા. જેની કોઈ કલ્પના ન કરી શકે તેવું કાર્ય છે.
તેઓ એ રીતે પણ કહે છે કે, સરદાર પટેલ ન હોત તો આજે સુરત, જૂનાગઢ કે દેશના અન્ય કોઈ ભાગમાં જવા માટે કેટલા વિઝા લેવા પડત ! સરદાર ન હોત તો દેશની શું સ્થિતિ હોત તે કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ છે !
તેઓ એમ માને છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ પાંચ વર્ષ વધુ તંદુરસ્ત જીવન જીવ્યા હોત તો દેશને વધુ ઊંચાઈ અને મજબૂતી મળી હોત. તેઓએ ઉમેર્યું હતું કે,૧૯૧૭માં સરદાર વલ્લભભાઈ પટેલની વકીલાતની આવક રૂ. ૪૦,૦૦૦ હતી, ખૂબ સમૃદ્ધિ હતી, ભારે ઠાઠમાઠભર્યું જીવન હતું. એ છોડી દેશ માટે ખાદી પહેરી લીધી…. મરણ સમયે માત્ર ૨૩૭ રૂપિયાની મૂડી ! આ તેમના દેશ માટેના અસાધારણ ત્યાગની પ્રતીતિ કરાવે છે.
તેમના દીકરી મણીબહેને પણ એટલે જ સાદગી અપનાવી હતી. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પિતા સરદારને એટલો જ સાથ આપ્યો અને સરદારના વારસાને દીપાવ્યો પણ એટલો જ. જે પણ આજની પેઢી માટે પ્રેરણારૂપ છે.
ગોપાલભાઈ વસ્તરપરા એમ પણ કહે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી છે, સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા લોકોને જાગૃત અને પ્રેરિત કરવાનું કાર્ય છે. સાથે જ સરદારના વિરાટ વ્યક્તિત્વથી દેશ- દુનિયાને પરિચય કરાવે છે.
તેઓ મહાત્મા ગાંધીજી, ડો. બાબા સાહેબ આંબેડકર, શહીદ વીર ભગતસિંહ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે આદર પ્રગટ કરવાની સાથે તેમનું ઋણ ચૂકવવા માટે જ્ઞાતિ જાતિના વાડા મૂકી એક ભારતીય બનશે ત્યારે જ સરદારના સપનાનું અને સાચું ભારત બનશે તેમ જણાવ્યું હતું.
શ્રી ગોપાલભાઈ વસ્તરપરાએ સર્વ સમાજની ૧૦૦૦થી વધુ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી ચૂક્યા છે, સાથે જ પર્યાવરણના જતન માટે લાખો વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં ૧૮૦૦ કિલોમીટરની બારડોલી થી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રા પણ યોજી હતી. જેમાં મોટો જનસમૂહ સહભાગી બન્યો હતો.
આ સરદાર સન્માન યાત્રા ૧૮ જિલ્લાના ૩૫૫ ગામડામાં ફરી હતી, તે દરમિયાન રાજવી પરિવારો અને દેશ કાજે શહીદ થનારના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું, ઉપરાંત વિવિધ સમાજ અને વર્ગના લોકો એકત્વપૂર્વક સહભાગી થયા હતા. આમ, સરદારના સિદ્ધાંતો અને રાષ્ટ્રના એકીકરણમાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ પ્રસરાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્ર ઉત્થાનમાં સમર્પિત થઈએ તેવા પ્રેરક સંદેશ સાથે ઉજવણી થઈ રહી છે.



















Recent Comments