આગામી તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર–કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને પ્રગતિ આપનાર મહત્વપૂર્ણ મંચ સાબિત થવા જઈ રહી છે. વડાપ્રધાનશ્રી દ્વારા ખુલ્લી મૂકાનાર અને રાજકોટને આંગણે પ્રથમવાર યોજાનારી આ રિજનલ કોન્ફરન્સમાં મલ્ટી નેશનલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિથી સ્થાનિક ઉદ્યોગો માટે વૈશ્વિક તકોના દ્વાર ખુલશે.
આ પરિપ્રેક્ષ્યમાં અમરેલીની અગરબત્તી બનાવતી ‘પેટ’ કંપની હેઠળની ‘વેદાસ્તિકા’ બ્રાન્ડની સફર ‘લોકલ ટુ ગ્લોબલ’ વિકાસ મોડલનું ઉત્તમ ઉદાહરણ બની છે. ગુજરાત સરકારની સબસિડી સહાય યોજના હેઠળ રૂ. ૩૦ લાખની સબસિડી સાથે વર્ષ ૨૦૨૦માં શરૂ થયેલ મધ્યમ કેટેગરી ઉદ્યોગ એકમનું વાર્ષિક ટર્નઓવર આજે રૂ. ૨૦ કરોડ સુધી પહોંચ્યું છે. આ કંપનીને સરકારની વિવિધ યોજના અન્વયે સબસિડી ઉપરાંત ૭ ટકા વ્યાજ સહાયનો પણ લાભ મળ્યો છે. ‘વેદાસ્તિકા’ બ્રાન્ડ ઉદ્યોગ સાહસિકો માટે પણ પ્રેરણારૂપ છે.
‘વેદાસ્તિકા’ બ્રાન્ડ હેઠળ કુલ ૮૦ થી વધુ પ્રકારની (ફ્લેવર) અગરબત્તીઓ બનાવવામાં આવે છે. જેમાં મશીનવર્કની સાથે નેચરલ (પ્રાકૃતિક) હેન્ડ મેડ અગરબત્તી પણ સામેલ છે. ઉપરાંત ધુપસ્ટીક, વિવિધ પ્રકારના હેન્ડમેડ ફેસ્ટિવલ ગીફ્ટ હેમ્પર સહિતની પ્રોડક્ટનું ભારતના વિવિધ રાજ્યો સાથે સરહદ પાર છે’ક અમેરિકા, યુનાઈટેડ કિંગડન, ફિજી, ગલ્ફ કંટ્રીઝ સહિતના ૧૦ થી વધુ દેશોમાં વેચાણ કરવામાં આવે છે. વિશ્વના વિવિધ દેશોમાં પંચગવ્યથી બનેલ સુગંધીત ફ્લેવર સાથેની હેન્ડ મેડ અગરબત્તી અને ધુપસ્ટીકની ખૂબ મોટી માંગ છે.
આ ઔદ્યોગિક એકમમાં આજે ૧૫૦ જેટલી મહિલાઓને રોજગારી મળી છે. મહિલાઓની આર્થિક ઉન્નતિના દ્વાર ખુલ્યા છે. મહિલા સશક્તિકરણની નેમ સાકાર થઈ રહી છે.
‘વેદાસ્તિકા’ બ્રાન્ડ અને PAT કંપની પાર્ટનર-માલિક શ્રી અલ્પેશભાઈ જાવીયાએ જણાવ્યું કે, અમે કોરોનાકાળમાં આ સાહસ શરૂ કર્યું હતું. ગુજરાત સરકારની સહાય થકી અમે આ સાહસમાં આગળ ધપી શક્યા છીએ. અમે સોલાર એનર્જીથી જ સંપૂર્ણ યુનીટ કાર્યરત બને તે દિશામાં કામ કરી રહ્યા છીએ. આજે અમારી બ્રાન્ડ હેઠળ અગરબત્તી, ફેસ્ટિવલ ગીફ્ટ હેમ્પર સહિતની પ્રોડક્ટની વિદેશમાં માંગ વધી રહી છે. આગામી વર્ષોમાં રૂ. ૧૦ કરોડથી વધુના નવા રોકાણનું લક્ષ્યાંક છે સાથે વધુ ૩૫૦ જેટલી મહિલાઓને રોજગારી આપવાનું પણ અમારું આયોજન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે કેમિકલ ફ્રી ફ્રેગરન્સમાં વિશ્વાસ કરીએ છીએ અને તે દિશામાં સતત આગળ ધપી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, હેન્ડમેડ સુગંધીત અગરબત્તીની ‘વેદાસ્તિકા’ બ્રાન્ડનું VGRC સૌરાષ્ટ્ર-કચ્છના મંચ પર પ્રેઝન્ટેશન રજૂ થશે. શ્રી અલ્પેશભાઈએ જાણકારી આપતા કહ્યું કે, વી.જી.આર.સી અંતર્ગત અમરેલી જિલ્લામાંથી સિલેક્ટ થયેલ સફળ ઉદ્યોગગાથાઓ પૈકીની એક બ્રાન્ડ અમારી પણ છે.
PAT કંપનીના મહિલા કર્મચારી શ્રી કાજલબેને જણાવ્યું કે, અમને અહીં સુરક્ષિત વાતાવરણમાં કામ કરવાનો અવસર મળ્યો છે. સાથે સારા વેતન સાથે રોજગારી મળી છે. અમે આર્થિક રીતે પગભર બનીને ઉન્નતિ તરફ આગળ ધપી રહ્યા છીએ.
ભારત વિવિધતામાં એકતા ધરાવતો અનોખો દેશ છે. અહીં અનેક ધર્મ અને સંપ્રદાયના લોકો હળીમળીને એકસાથે સૌહાર્દ સાથે રહે છે. દરેક ધર્મ અને તેના વિવિધ તહેવારોમાં પૂજા-અર્ચનાનું અનેરું મહત્વ છે. દરેક ધર્મમાં ધાર્મિક અને આદ્યાત્મિક જીવનશૈલી મહત્વની છે. જીવ અને પ્રકૃતિ બંને અભિન્ન છે. પંચગવ્યથી બનેલ પ્રાકૃતિક અગરબત્તીની સુગંધ માનવીના મનને પ્રફૂલ્લીત કરે છે.
‘વેદાસ્તિકા’ બ્રાન્ડ હેઠળ વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને રંગોલી, ડ્રાયફ્રૂટ, મુખવાસ, હેન્ડક્રાફ્ટ ચીજ-વસ્તુઓ, હિલિંગ, બ્રાસ, અરોમા અને હોમ ડેકોર જેવા અનેક પ્રકારના ગીફ્ટ હેમ્પર પણ બનાવવામાં આવે છે.
PAT કંપનીની ‘વેદાસ્તિકા’ બ્રાન્ડ જેવી સફળ સ્થાનિક ઉદ્યોગગાથાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું કાર્ય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કરે છે, જેનાથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છ ક્ષેત્રના વિકાસને નવી દિશા અને નવી ઉડાન સાથે ઊંચાઈ પ્રાપ્ત થશે.


















Recent Comments