રાષ્ટ્રીય

છત્તીસગઢના બીજાપુરમાં સશસ્ત્ર દળોના એક જવાનનો પગ પ્રેશર બોંબ પર પડતા વિસ્ફોટ; એક જવાન શહીદ

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સશસ્ત્ર દળોના એક જવાનનો પગ પ્રેશર બોંબ પર પડતા જ ભયાનક વિસ્ફોટ થયો હતો જેમાં તેઓ શહીદ થયા છે. આ બાબતે પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, જિલ્લાના તોયનારથી ફરસેગઢ વચ્ચે આવેલા મોરમેડ ગામના જંગલમાં આઈઈડીની ઝપેટમાં આવતા સીએએફ ૧૯વી બટાલિયનના ૨૬ વર્ષિક જવાન મનોજ પુજારી શહીદ થયા છે. તોયમારથી ફરસેગઢ વચ્ચે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે, તેની સુરક્ષા કરવા માટે સીએએફની ટીમ પેટ્રોલિંગ પર ગઈ હતી. ટીમ જ્યારે તોયનારથી ફરસેગઢ તરફ ચાર કિલોમીટર દુર મોરમેડ ગામના જંગલોમાં હતી. આ દરમિયાન જવાન મનોજ પુજારીનો પગ પ્રેશર બોંબ પર પડતા વિસ્ફોટ થયો હતો, જેમાં તેઓ શહીદ થયા છે.
આ મામલે પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ‘ગ્રામજનોને યોગ્ય સુવિધા અને સુરક્ષા મળે તે માટે રસ્તાના નિર્માણ કાર્યમાં તહેનાત કરેલા જવાનોને નક્સલીઓએ નિશાન બનાવ્યા છે, જે કાયરતાપૂર્વકનું કૃત્ય છે. અમે નક્સલીઓ વિરુદ્ધનું અભિયાન સતત ચાલુ રાખીશું. માઓવાદીઓ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં તહેનાત સુરક્ષા જવાનોને નિશાન બનાવવા માટે જંગલો અને રસ્તાઓ પર પ્રેશર બોંબ લગાવી દે છે. આવી ઘટનાઓમાં અનેક જવાનો શહીદ અને અનેક ઘાયલ થયા છે.

Related Posts