ભાવનગર તાલુકાના ખારોપાટ અને સુક્કા ભાલ વિસ્તારને જાણે કે લીલોછમ બનાવવાની ભેખ ધારણ કરી
હોય તેમ ભાવનગર તાલુકા પંચાયતના કર્મચારીશ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા ભાવનગર તાલુકાના રાજગઢના સ્થાનિક
યુવાનો અને ગ્રામજનોના સહકારથી સતત ત્રીજા વર્ષએ નવતર અભિગમ સાથે બીજના સિડબોલ બનાવીને છંટકાવ
કરી ધરતીને લીલીછમ ચાદર ઓઢાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીંની ખુલ્લી અને ગાંડા બાવળની કાટવાળી
જમીનોમાં બોરડી, ગરમાળો, વાંસ, ખીજડા, સરગવો, સહિતના જુદા જુદા વૃક્ષના બીજના અંદાજે ૧૫૦૦ કિલો સીડ
બોલનો છંટકાવ કરવામાં આવ્યો છે.
ભાવનગર તાલુકાના રાજગઢ વેળાવદર ભડભીડ ગામ વચ્ચે આવેલ અલંગ નદી અને ખારા નામે ઓળખાતી
જગ્યાના પટમાં તેમજ કિનારે સીડ બોલ વાવીને ધરતીને લીલીછમ કરવાનો વિચાર વિસ્તરણ અધિકારીશ્રી
કલ્પેશભાઈ ભટ્ટ ને આવ્યો હતો.
એક સમયે કુદરતી ઘાસિયા મેદાનોમાં હાલ ગાંડા બાવળ સિવાય કશું ઊગતું નથી એવા વિસ્તારોમાં
ભાવનગર તાલુકાના વિસ્તરણ અધિકારીએ આ વિસ્તારમાં ઉગી શકે તેવા બિયારણ ભેગા કરી તેના સીડબોલ બનાવી
ગ્રામજનોને અને સ્થાનિક યુવાનોને જાગૃત કરી તેમના સહકારથી હાલમાં સતત ત્રીજા વર્ષે ખુલ્લા મેદાનો અને
નદીકાંઠાની જમીનોમાં ઊગી શકે તેવા “બી” ના સીડબોલ બનાવી મોટા પ્રમાણમાં વાવી પ્રકૃતિ અને ધરાને નવસર્જન
કરવાનો એક પ્રયાસ હાથ ધર્યો છે.
વિસ્તરણ અધિકારીશ્રી કલ્પેશભાઈ ભટ્ટ જણાવે છે કે પ્રકૃતિના સંતુલન માટે સૌ પોતપોતાની રીતે આવા નાના
નાના પ્રયાસો કરે તો હજી પણ એ દિશામાં ચોક્કસ હકારાત્મક કાર્ય થઈ શકે તેમ છે અને પ્રકૃતિ ફરીથી ખીલે ઉઠે તેમ
છે તેવો નવતર અભિગમ હાથ ધરાયો છે. મહત્વની વાત તો એ છે કે આટલા મોટા પ્રમાણમાં બિયારણ ભેગું કરવામાં
કોઈ પણ પ્રકારનો પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો નથી. રાજગઢ ગામની અલંગ નદીથી ઝુંબેશનો પ્રારંભ કરી જે
વિસ્તારમાં હાલ બાવળ સિવાય કશું થતું નથી તેવા વિસ્તારનું નવસર્જન કરવા સૌ કોઇએ કમર કસી છે.
વિસ્તરણ અધિકારી કલ્પેશભાઈ પોતે જુદી જુદી જગ્યાએથી દર વર્ષે ચોમાસા પહેલા બિયારણ એકત્ર કરે છે
અને પછી તેના સીડબોલ બનાવે છે. આ સીડબોલ ચોમાસામાં રાજગઢ વેળાવદર ભડભીડ ગામ વિસ્તારમાં આવેલ
ખુલી જમીનમાં વેરવામાં આવે છે.
જેમાં સ્થાનિક યુવાનો અને ગ્રામજનોના સહકારથી જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર શ્રી હનુલ ચૌધરી અને
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત અધિકારીઓની પ્રેરણા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.કે. રાવતના
માર્ગદર્શન સહકાર હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી વિસ્તરણ અધિકારીશ્રી કલ્પેશભાઈ આ કામગીરી કરી રહ્યા છે ગણેશગઢ
અને સનેસ ના જાગૃત યુવાનો આ ભગીરથ કાર્યમાં સૌને જોડાયા છે. રજાના દિવસે આ કામ કરી.. એક પણ રૂપિયાનો
ખર્ચ કર્યા વગર પોતે જાતે મહેનત કરી એક નવતર ચીલો ચાતર્યો છે શ્રી કલ્પેશભાઈ દ્વારા એક અપીલ કરવામાં
આવી છે કે તમારા ઘરે જ્યારે પણ કોઈ ફળ લાવો કે જેમાં “બી” હોય તો આવા “બી” કચરા ટોપલીમાં કે ઉકરડે નાખી
દેવાને બદલે એક છાપાના કાગળમાં નાખી બહાર જાઓ ત્યારે આસપાસની ઉજ્જડ જગ્યા કે હાઇવે ઉપર વ્યવસ્થિત
વેરી દો તો એની મેળે કુદરત એનું કામ કરશે અને ક્યાંક ને ક્યાંક વૃક્ષ ઉગી નીકળશે, બસ એક પ્રયાસ કરો કુદરત
એની રીતે તમારા પ્રયાસ ને આગળ ધપાવશે.
૦૦૦૦૦૦
Recent Comments