ગુજરાત

રોકાણ કરી ભારે નફો કમાવવાની લાલચમાં અમદાવાદના ઇસનપુરમાં વૃદ્ધે ૨ લાખ ગુમાવ્યા

શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં ફોરેક્ષ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી થોડા જ દિવસોમા બમણા રૃપિયા થશે તેવો મેસેજ આવ્યો હતો. જેને લઇને તગડા નફાની લાલચમાં વૃદ્ધે સાયબર ગઠીયાના એકાઉન્ટમાં બે લાખ જમા કરાવ્યા હતા. બાદમાં રોકાણ અંગેની વાત દીકરાને કરતા ઠગાઈની જાણ થઇ હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઇસનપુર વિસ્તારમાં રહેતા વૃદ્ધે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે પોતે નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. ૧૫ દિવસ પહેલા વોટ્સએપમાં અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી રોકાણ કરીને વધુ નફો મેળવવાની જાહેરાતનો મેસેજ આવ્યો હતો. વૃદ્ધે તપાસ કરતા ફોરેક્ષ ઈન્વેસ્ટમેન્ટ કરીને તગડો નફો મળવાની જાહેરાત મેસેજ કરવામાં આવ્યો હતો.
ઓછા સમયમાં વધુ નફાની લાલચમાં આવીને વૃદ્ધે વોટ્સએપમાં મેસેજ કરતા સાયબર ગઠીયાએ શ્રી ગણેશ ટ્રેડીંગ કંપનીનો એકાઉન્ટ નંબર આપ્યો અને તેમાં બે લાખ રૃપિયા ટ્રાન્સફર કહીને થોડા જ દિવસોમાં તમારા રૃપિયા ડબલ થઇ જશે તેવી વાતચીત કરી હતી. જેને લઇને વિશ્વાસમાં આવીને વૃદ્ધે રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. અજાણી વ્યકિતએ મેસેજ કર્યો કે આ બાબતે અમે તમને જે કંઈપણ અપડેટ હશે તેની જાણ કરીશું. ત્યારબાદ શંકા જતાં વૃદ્ધે રોકાણ અંગે જાણ કરતા દિકરાને કરતા આ ઠગાઈ થઇ હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરીને રજૂઆત કરી હતી.

Related Posts