અમરેલી

રાજ્ય સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયો નદીને ઊંડી અને પહોળી કરવાની મિશાલરુપ કામગીરી : ગાગડીયો

જળસંચય માટે જનભાગીદારીથી કેવી રીતે ઉત્તમ પરિણામો મેળવી શકાય તે અમરેલી જિલ્લાએ પ્રસ્થાપિત કર્યું છે.

જળસંચય માટે રાજ્ય સરકારનો આગવો અભિગમ રહ્યો છે, તળાવોની જળસંગ્રહ શક્તિમાં વધારો કરવા અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા સુજલામ સુફલામ જળઅભિયાન રાજ્યમાં સીમાચિહ્નરૂપ બની રહ્યું છે.

અમરેલી જિલ્લામાં રાજ્ય સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયો નદીને ઊંડી અને પહોળી કરવાની મિશાલરુપ કામગીરી કરવામાં આવી છે. ગાગડીયો નદી પર ચેક ડેમોના નિર્માણથી જળસંગ્રહ શક્તિમાં વધારો થવાની સાથે અંદાજે ૩૦૦ હેક્ટર કરતાં વધારે ખેતીની જમીનને પરોક્ષ સિંચાઈનો પણ લાભ મળવાનું શરૂ થયું છે.

ગાગડીયો નદીમાં લાઠી તાલુકાના ગામ અકાળાથી લીલીયા તાલુકાનાં ક્રાકંચ ગામ સુધી કે જ્યા ગાગડીયો નદી શેત્રુંજી નદીમાં મળે છે તે લંબાઈમાં અંદાજે ૨૫ કિ.મી.માં રાજ્ય સરકાર તથા ધોળકીયા ફાઉન્ડેશનના ૮૦ : ૨૦ ફાળા થી પી. પી. પી. ના ધોરણે હાથ ધરવા માટે રુ.૨૦૦૦ લાખ (રુ.બે બજાર લાખ)ની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

આ કામગીરીમાં ગાગડીયો નદીને ગામ અકાળાથી ક્રાંકચ સુધી ૨૫ કિ.મી. લંબાઇમાં ઉંડી તથા પહોળી કરવાનાં કામને અદાજે રુ.૧૪૦૦ લાખના કામની કામગીરી પૈકી ૮૦% કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ છે.

રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરકારશ્રી તથા ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા લોકભાગીદારીથી અગાઉના વર્ષમાં અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાના હરસુરપુર થી અકાળા ગામ સુધી અંદાજે ૧૭ કિ.મી.માં ગાગડીયો નદીને ઉંડી ઉતારી પહોળી કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, આમ, કુલ ૩૮ કિ.મી. ગાગડીયો નદીને ઉંડી તથા પહોળી કરવાથી ૨૩૮ કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થશે. જેથી આજુ બાજુની જમીનને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ સિંચાઈનો લાભ પ્રાપ્ત થયો છે અને જમીનનાં ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવવાથી પાણીની ગુણવતામાં સુધારો થયો છે.

આ કામગીરીમાં ગાગડીયો નદી પર ભેંસાણ અને બોડીયા ગામે નવા બે મોટા ચેકડેમોના બાંધકામ માટેના કામનું ખાતમુહૂર્ત તા.૧૬-૧૧-૨૦૨૩ના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. આ બંને ચેકડેમનું બાંધકામ પૂર્ણ થયું છે, આ ચેકડેમ પૈકી બોડીયા ચેકડેમની અંદાજે રકમ રુ.૨૬૭ લાખ અને ભેંસાણ ચેકડેમની અંદાજે રકમ રુ. ૩૨૪ લાખ છે. આ બંને ચેકડેમોની કુલ સંગ્રહ શક્તિ અંદાજે ૭૨ કરોડ લીટર છે, આ ચેકડેમનાં બાંધકમનાં કારણે ચેકડેમની આસપાસ આવેલ ખેતીની અંદાજે ૨૦૦ હેક્ટર જમીનને પરોક્ષ સિંચાઈનો લાભ પ્રાપ્ત થશે અને બોર- કુવાનાં પાણીનાં સ્તર ઉંચા આવશે. જેનાથી પાક ઉત્પાદનમાં વધારો થવાથી ખેડુતોની આર્થિક સુખાકારી અને લોકોના જીવનધોરણમાં વૃધ્ધિ થશે.

વિશેષમાં ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા સ્વખર્ચે હરસુરપુર, લુવારિયા અને અકાળા ગામ પાસે ગાગડીયો નદી પર ૩ મોટા ચેકડેમનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, તેમજ રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત વર્ષ-૨૦૧૮ થી વર્ષ-૨૦૨૪ના સમયગાળા દરમ્યાન ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લામાં લાઠી અને અમરેલી તાલુકામાં ૪૦ કામો પૂર્ણ કરવામા આવ્યાં છે.

આ કામો પૈકી રુ.૧૫૪.૬૭ લાખના ૧૧ કામો ૧૦૦ ટકા સ્વખર્ચે હાથ ધરવામાં આવ્યા હતા અને બાકીના ૨૯ કામો લોક ભાગીદારીથી હાથ ધરવામાં આવ્યાં છે. આ ૨૯ કામો પાછળ રાજ્ય સરકાર દ્વારા રુ.૯૦.૬૬ લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

આ બધા કામોમાથી અંદાજે ૭,૧૮,૭૮૪ ઘન મીટર માટી- કાપનું ખોદકામ કરવામાં આવ્યું અને ચેકડેમના પાળાનું મજબૂતીકરણનું કામ કરવામાં આવ્યું છે. આ કામોથી ચેકડેમોની જળસંગ્રહતિ આશરે ૩૦.૭૦૬૩ એમ.સી.એફ.ટી. જેટલો વધારો થવા પામ્યો છે અને આ વધારાના પાણીથી અંદાજે ૩૦૦ હેક્ટર કરતા વધારે ખેતીની જમીનને પરોક્ષ સિંચાઇનો લાભ મળવા પામ્યો છે. આ ઉપરાંત નજીકના કુવા તથા બોરના પાણીના સ્તર ઉંચા આવ્યા હોવાનું જોવા મળ્યું છે.

ભારત માતા સરોવરઃ હેતની હવેલી પાસે આવેલા વોટરસેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના ૪.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવતા ચેકડેમમાં ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા પોતાનાં સ્વખર્ચે ચેકડમને ઉંડો ઉતારી પહોળાઈમાં વધારો કરી અંદાજે ૨,૦૦,૦૦૦ ઘન મીટર જથ્થો કાપ-માટી ચેકડેમની બહાર કાઢીને ચેકડેમની બન્ને બાજુઓ પર માટીબંધની મજબૂતાઇમાં વધારો કરી તેમજ સ્વખર્ચે ચેકડેમનું બાંધકામ કરવાનાં કારણે અંદાજીત ૨૦ કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. જેનાંથી હાલ ભારતમાતા સરોવરમાં અંદાજીત ૨૪.૫૦ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. જેથી આજુબાજુ ના ખેતરોમાં આવેલા બોર તેમજ કુવાના પાણીના સ્તર ઉંચા આવ્યા છે, તેમજ આજુ બાજુના ગામોને પાણીની સમસ્યાઓ દૂર થઇ છે અને લોકોને સિંચાઈનો પરોક્ષ લાભ મળ્યો છે.

હરિકૃષ્ણ સરોવરઃ હેતની હવેલી પાસે ઉપરવાસમાં આવેલ સિંચાઈ વિભાગ રાજ્ય હસ્તકનો ૨.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવતા ચેકડેમમાં ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત ૬૦ : ૪૦ના ધોરણે અંદાજે ૭૦,૦૦૦ હજાર ધન મીટર માટી – કાપનું ખોદકામ કરવામાં આવ્યું છે તથા સ્વખર્ચે અંદાજે ૧.૩૦ લાખ ઘનમીટર માટીનું ખોદકામ કરી ચેકડમને ઉંડો ઉતારી પહોળાઈમાં વધારો કરી અંદાજે ૨,૦૦,૦૦૦ ઘન મીટર જથ્થો કાપ- માટી ચેકડેમની બહાર કાઢીને ચેકડેમની બન્ને બાજુઓ પર માટીબંધની મજબૂતાઇમાં વધારો કરી તેમજ સ્વખર્ચે ચેકડેમનું બાંધકામ કરવાનાં કારણે અંદાજે ૨૦ કરોડ લીટર પાણીનો સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. જેનાથી હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે ૨૨.૫૦ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. જેથી આજુબાજુના ખેતરોમાં આવેલા બોર તેમજ કુંવાનાં પાણીના સ્તર ઉંચા આવ્યાં છે, તેમજ આજુ બાજુના ગામોને પાણીની સમસ્યાઓ દૂર થઇ છે અને સિંચાઈનો પરોક્ષ લાભ મળ્યો છે.

Follow Me:

Related Posts