અમરેલી

અમરેલીના જિલ્લાના પ્રયોગશીલ શિક્ષકે કેરીની ગોટલીના સખત ભાગનો ઉપયોગ કરીને બનાવ્યાં અનોખા ‘વિધ્નહર્તા

અમરેલીના મોટા માંડવડા ગામમાં પ્રાથમિક શાળામાં ફરજરત એક  પ્રયોગશીલ શિક્ષકે કેરીની ગોટલીના સખત ભાગનો ઉપયોગ કરીને અનોખા શ્રી ગણપતિજી બનાવ્યા છે, તેમણે કેરીની ગોટલીના સખત ભાગનો ઉપયોગ કરીને ‘વિધ્નહર્તા’ ને કલાત્મક રીતે કંડાર્યા છે.

શિક્ષણમાં સતત અવનવા પ્રયોગો કરતા અને રઘુ રમકડાના ઉપનામે જાણીતા બનેલા શ્રી રાઘવ કટકીયા આ એક આગવી વિભાવના સાથે શ્રી ગણપતિજીને બનાવ્યાં છે અને પ્રાથમિક શાળામાં સ્થાપન પણ કર્યું છે. જેથી શાળામાં અનેરું વાતાવરણ તો સર્જાયું છે, સાથે જ આ ‘ વિધ્નહર્તા ‘ પર્યાવરણના સંરક્ષણ સાથે સર્જનાત્મકતાને ખીલવવા માટે પ્રેરણા આપે છે.

શ્રી રાઘવ કટકીયા કહે છે કે, શિક્ષક તરીકે સતત કંઈક સર્જનની ભાવના મનમાં રમ્યા કરે છે, ખાસ નવરાશના પળોમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું પસંદ પડે છે. આ વખતે કેરીની ગોટલીઓને સુકવીને, તેના સખત ભાગને કાતર અને કટર વડે કટ કરેલા જુદા જુદા ભાગોને ગમ -ફેવિકોલથી ચોંટાડીને શ્રી ગણપતિજીને કલાત્મક રીતે કંડાર્યા છે. સાથે જ તેને એક ફોટો ફ્રેમમાં મઢવામાં આવ્યાં છે.

શાળામાં આ અનોખા શ્રી ગણપતિજીને નિહાળી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે, તેમની સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને નવું અને કલાત્મક સર્જન કરવા માટે પ્રેરાય પણ છે. આમ પણ બાળકોને ઉત્સવપ્રદ વાતાવરણ ખૂબ પસંદ પડે છે. સાથો સાથ વિદ્યાર્થીઓ આપણા તહેવારો અને સંસ્કૃતિનું મહત્વ પણ જાણે – સમજે છે.

તેઓ જ કહે છે કે, શ્રી ગણેશ ઉત્સવના પર્વને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે પ્રકૃતિ પર્યાવરણની ખેવના લેવાનું ચૂકાય નહીં તે એક નૈતિક જવાબદારી પણ છે. એટલે લોકોએ માટીના કે પ્રકૃતિના હાનિ પહોંચે તેવા તત્વોનો ઉપયોગ કરીને શ્રી ગણેશજીની મૂર્તિ બનાવી, તેનું સ્થાપન કરવું જોઈએ. આ દિશામાં ખૂબ જાગૃતિ પણ વધી રહી છે.

તેમણે કહ્યું કે, સર્જનહારનું વિસર્જન ન કરવું જોઈએ, અલબત્ત પરંપરાઓનું પૂરતું સન્માન છે. પણ જ્યારે ઉત્સવોમાં રચનાત્મકતા અને કલાત્મકતા ભળે ત્યારે આનંદની અનેરી છોળો ઉછળે છે. સાથે જ એક નૂતન પ્રેરકબળ પણ મળે છે. જે આપણા ઉત્સવોને એક સાર્થકતા પણ બક્ષે છે.

મોટા માંડવડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કેશવભાઈ ચૌહાણના માર્ગદર્શનમાં આ ઉજવણીની સાથે આપણી પૌરાણિક કથાઓમાંથી વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણ પણ આપવામાં આવે છે. ઉપરાંત જુદી જુદી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

તેઓ જણાવે છે કે, ઉત્સવો દરમિયાન દુર્ઘટનાઓ પણ બને છે, ત્યારે સલામતીનો પણ ખ્યાલ રાખવો અનિવાર્ય છે. એટલે ઉત્સવો દરમિયાન સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, શિક્ષક શ્રી રાઘવ કટકીયાએ કેરીની ગોટલીના સખત ભાગમાંથી પક્ષીઓની કલાત્મક પ્રતિકૃતિઓ વગેરે બનાવવા ઉપરાંત નાળિયેરની કાચલીના ઉપયોગથી પણ ઘણી અવનવી વસ્તુઓ બનાવી છે.     

Related Posts