રાષ્ટ્રીય

રાજસ્થાનમાં 10 કિમી સુધી તબાહી મચાવે તેટલો વિસ્ફોટક ઝડપાતા ખળભળાટ, મોટા ષડયંત્રની આશંકા

દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર રાજસ્થાન પોલીસ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન રાજસ્થાનની શ્રીનાથજી પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ગેરકાયદે વિસ્ફોટક સામગ્રીથી ભરેલી એક પીકઅપ વાનને જપ્ત કરી છે. વાનમાં 10 કિલોમીટર સુધીના વિસ્તારને ઉડાવી નાખે તેટલો વિસ્ફોટ પદાર્થ હતો.પ્રાથમિક માહિતી મુજબ, આ પીકઅપ વાન આમટે વિસ્તારમાંથી નાથદ્વારા તરફ જઈ રહી હતી. પોલીસને બાતમી મળતાં તુરંત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહનને જપ્ત કરી લીધું હતું. પીકઅપમાં ભરેલો વિસ્ફોટકનો જંગી જથ્થો જોઈને પોલીસ ટીમ પણ આશ્ચર્ય પામી હતી. ત્યારબાદ ટીમે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીકઅપમાં રહેલા વિસ્ફોટકનો જથ્થો એટલો વધારે હતો કે, જો તેમાં વિસ્ફોટ થયો હોત તો મોટા પાયે તબાહી સર્જાઈ શકી હોત. હાલમાં પોલીસની ટીમ દ્વારા જપ્ત કરાયેલી વિસ્ફોટ પદાર્થની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.પોલીસ આ ગેરકાયદે વિસ્ફોટકનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને કયા ઉદ્દેશ્યથી લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પીકઅપ વાનના ડ્રાઈવરની પૂછપરછમાં કેટલાક નામો સામે આવ્યા છે, જેમને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ વાહન ચાલક અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ ચાલુ છે.

Related Posts