અમરેલી

સાવરકુંડલામાં શિવભક્તિનો સાગર ઉમટ્યો. મહાશિવરાત્રી પર્વે શહેર ‘શિવમય’ બન્યું, ​વહેલી સવારથી જ શિવાલયોમાં ‘બમ બમ ભોલે’નો નાદ; રોશની અને શણગારથી મંદિરો ઝળહળી ઉઠ્યા

ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના અનન્ય પર્વ એવી મહાશિવરાત્રીની આજે સાવરકુંડલા શહેરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શિવભક્તો માટે દિવાળી સમાન ગણાતા આ પર્વે શહેરના તમામ શિવમંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું.

​આજરોજ વહેલી સવારે પાંચ વાગ્યાથી જ શિવભક્તો સ્નાન વગેરે વિધિ પતાવી, હાથમાં પૂજા સામગ્રી, બિલીપત્ર અને દૂધની ધાર સાથે શિવાલયો તરફ વળતા જોવા મળ્યા હતા. શહેરના વાતાવરણમાં સર્વત્ર ‘ૐ નમઃ શિવાય’ અને ‘હર હર મહાદેવ’ના ગુંજારવ સાથે એક અનેરી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થતો હતો.

​મહાશિવરાત્રી નિમિત્તે સાવરકુંડલાના મુખ્ય શિવમંદિરોને સોળે શણગાર સજાવવામાં આવ્યા હતા. રંગબેરંગી રોશની અને ફૂલોના શણગારથી મંદિરોની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. ખાસ કરીને રાત્રિના સમયે આ મંદિરો દીપી ઉઠ્યા હતા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.​સ્થાનિક પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ મુજબ, શહેરના વિવિધ વિસ્તારોના મંદિરોમાં વિશેષ માહોલ જોવા મળ્યો હતો: સાવરકુંડલા શહેરના 

​હાથસણી રોડ ખાતે અહીં આવેલા રામનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ, બુદ્ધનાથ મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવ મંદિરોમાં ભક્તોની ભીડ  જોવા મળી હતી. બપોરના સમયે અહીં યોજાયેલી વિશેષ આરતીમાં ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો. મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે અબાલ-વૃદ્ધ સૌ ઉમટી પડ્યા હતા.આસ્થાના પર્વ મહાશિવરાત્રી નિમિત્તે 

​પત્રકાર બિપીનભાઈ પાંધીએ વહેલી સવારથી જ શહેરના ખૂણે ખૂણે ફરીને શિવભક્તોની અતૂટ આસ્થા અને શિવ મહિમાનું સચોટ રિપોર્ટિંગ કર્યું હતું. ભક્તોમાં જોવા મળતો ઉત્સાહ સૂચવે છે કે સાવરકુંડલા માટે મહાશિવરાત્રી માત્ર એક તહેવાર નહીં, પણ શ્રદ્ધાનો મહાકુંભ છે. મોડી રાત સુધી ચાલનારા ચાર પ્રહરની પૂજા અને ફરાળી પ્રસાદના વિતરણ સાથે સમગ્ર શહેર શિવભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. સાવરકુંડલા શહેરમાં આવેલ રિધ્ધિસિધ્ધિનાથ મહાદેવ મંદિર ખાતે પણ શિવભક્તોની ભીડ જોવા મળી હતી. પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે પણ અહીં નાવલી ચોક ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે આવીને ભારે આસ્થા અને શ્રધ્ધા સાથે શિવપૂજા કરી હતી અને વિશ્ર્વ શાંતિ કાજે પ્રાર્થના પણ કરી હતી. તો સાવરકુંડલા શહેરમાં આવેલ દેવળા ગેઈટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ આયોજિત ૯૦ મી ત્રિમૂર્તિ શિવ જયંતિનું આયોજન થયેલ જેમાં બિલીપત્રના શિવલિંગ દર્શન, વેલ્યુ ગેમ, મેડિટેશન માટે શાંતિ અનુભૂતિ કક્ષ અને પરમાત્મા સત્ય પરિચય દર્શાવતી આધ્યાત્મિક પ્રદર્શની દ્વારા શિવ દર્શનનું આધ્યાત્મિક ચિંતન કરતાં જોવા મળેલ

આમ એકંદરે આજે મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે સમગ્ર સાવરકુંડલા જાણે શિવમય હોય તેવું વાતાવરણ સર્જાયું હતું

Related Posts