જાફરાબાદના સામાકાંઠામાં નવરાત્રિના તહેવાર દરમિયાન ગરબા રમતી વખતે પગ અડવા જેવી સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને પાંચ જેટલા ઇસમોએ ફરિયાદી અને તેના મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ અંગે હરેશભાઇ કરશનભાઇ બારૈયા (ઉ.વ.૩૫)એ મિતેશભાઇ, પ્રિતેશભાઇ, વિષ્ણુભાઇ નારણભાઇ, નિલેશભાઇ રાણાભાઇ તથા કાનજીભાઇ રામજીભાઇ બાંભણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદી ગરબા રમી રહ્યા હતા ત્યારે મિતેશભાઈનો પગ આકસ્મિક રીતે તેમને અડી ગયો હતો. આ બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ બોલાચાલીનું મનદુઃખ રાખીને આરોપીઓએ ગંભીર કૃત્ય આચર્યું હતું. બોલાચાલીના થોડા સમય બાદ, મિતેશભાઈ અને પ્રિતેશભાઈ તેમના ઘરની સામે આવ્યા હતા અને તેમને ઊભા રાખીને ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન તેમના મિત્રો સાહેદ જેન્તીભાઈ છનાભાઈ, ઈશ્વરભાઈ છનાભાઈ, અને ભરતભાઈ ઉકાભાઈ તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ હુમલામાં મિતેશભાઈએ તેમને લોખંડના પાઇપ વડે માથાના પાછળના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર ઘા મારીને ગંભીર મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ ફરિયાદી અને તેના મિત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.આર. ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.
જાફરાબાદના સામાકાંઠામાં ગરબામાં પગ અડવાથી થયેલું મનદુઃખ હુમલામાં પરિણમ્યું

Recent Comments