ગુજરાત

અનિરૂદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર: પોપટ સોરઠિયા હત્યા કેસમાં જૂનાગઢ જેલ હવાલે

રાજકોટ-ગોંડલના રાજકારણમાં ભારે ચકચાર મચાવનાર પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં હાજર થઈને આત્મસમર્પણ કર્યું છે.  

સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા આપેલા સ્ટેને શુક્રવારે સવારે પરત ખેંચી લેતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.

ગુરુવારે (18મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના આત્મસમર્પણના આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો, પરંતુ શુક્રવારે (19મી સપ્ટેમ્બર) સામા પક્ષની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ સ્ટે પરત ખેંચી લીધો. સવારે 10:30 વાગ્યે શરૂ થયેલી સુનાવણીમાં કોર્ટે જાડેજાને આપેલી રાહત રદ કરી હતી અને તેમને રાત્રે 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ અનિરૂદ્ધસિંહ જાડેજાએ આજે શુક્રવારે બપોરે ગોંડલ કોર્ટમાં હાજર થઈ આત્મસમર્પણ કર્યું. કોર્ટમાં હાજર થતાં જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ ઉપરાંત ગોંડલ અને રાજકોટ રૂરલ LCB બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો કોર્ટે ગોઠવાયો હતો.

વર્ષ 1988ની 15મી ઓગસ્ટના દિવસે ગોંડલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં તત્કાલિન કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

તાજેતરમાં, અનિરૂદ્ધસિંહને સરકારે આપેલી સજા માફીના હુકમને ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવ્યો હતો અને તેમને ચાર સપ્તાહમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ હુકમ સામે જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમને શરૂઆતમાં થોડી રાહત મળી હતી, પરંતુ આખરે કોર્ટે આ સ્ટે પરત ખેંચી લેતા તેમને સજા ભોગવવા માટે આત્મસમર્પણ કરવું પડ્યું છે. આ ઘટનાએ ગોંડલ અને રાજકોટના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા જગાવી છે.

આ ઉપરાંત, અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ પર રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં પણ આરોપ છે. અમિત ખૂંટે 5 મે, 2025ના રોજ આત્મહત્યા કરી હતી અને તેની સુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહને જવાબદાર ગણાવ્યા હતા. આ કેસમાં અમિત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેને અનિરુદ્ધસિંહ અને તેમના પુત્રનું ષડયંત્ર ગણવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની આગોતરા જામીન અરજીઓ ફગાવી દીધી હતી. આ કેસમાં તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ફરાર હતા અને વિદેશ ભાગી ગયા હોવાની આશંકા છે, જેના કારણે લૂકઆઉટ નોટિસ જારી કરવાની શક્યતા છે. અમિત ખૂંટના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે અનિરુદ્ધસિંહે તેમને ત્રાસ આપીને આત્મહત્યા માટે મજબૂર કર્યા હતા.

Related Posts