ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી પ્રાથમિક શાળા નં. 48ના શિક્ષિકા અંજનાબેન ગઢવીને પર્યાવરણ સંરક્ષણ માટેના ઉત્કૃષ્ટ કાર્યો બદલ પ્રકૃતિ મિત્ર એવોર્ડ-2025થી સન્માનિત કરાયા. આ એવોર્ડ કિશનચંદ ટેકચંદ પરિવાર, પ્રકૃતિ મિત્ર ગ્રૂપ ગુજરાત, અને રિહેન એચ. મહેતા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી તીર્થ, અંબાજી ખાતે 15 સપ્ટેમ્બરે આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરદારભાઈ ચૌધરી ધારાસભ્ય ખેરાલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલેખનીય છે કે અંજનાબેન પદ્મશ્રી કાગબાપુના પૌત્રવધુ છે. તેમણે પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં 300+ બોટલ એકત્ર કરી, શૈક્ષણિક ઉપયોગ માટે ઈકો-બ્રિક્સ બનાવ્યા, અને કૈલાસ વાટિકા માટે 200+ બોટલ જમા કરાવી. તેમણે શાળામાં લીમડાના વૃક્ષો વાવ્યા, બગીચો ઉછેર્યો, અને વિદ્યાર્થીઓને કાપડની થેલી, પાણી-વીજળીના સંયમિત ઉપયોગની સમજ આપી. તેમના પ્રયાસો બદલ વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ, મેડલ અને માધવ ચેરિટેબલ ટ્રસ્ટ, અનંતા એજ્યુકેશન જેવી સંસ્થાઓ દ્વારા પણ સન્માન મળેલ છે. ભાવનગર મહાનગરપાલિકાના આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ તેમણે જાગૃતિ ફેલાવી હતી.
“જડ જાણીને ઝાડને, મનથી મારીશ ના; ‘કાગા’ કાપીશ ના, એમાં બેઠો આતમો.” – કવિશ્રી કાગબાપુના આ વિચારને અંજનાબેને પોતાના કાર્યો દ્વારા સાકાર કર્યો.



















Recent Comments