ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સાવરકુંડલા દ્વારા શહેરના આંગણે યોગ સંસ્કૃતિને જન-જનના હૃદય સુધી પહોંચાડવા અને ‘રોગમુક્ત સાવરકુંડલા’ના ઉમદા સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી એક ભવ્ય અને યાદગાર વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેસર રોડ પર સ્થિત સર્વ મંગલ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં યોગ ટ્રેનર્સ બેચની બહેનોએ પોતાની સાધના અને કલાનું અદભૂત પ્રદર્શન કરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી.
યોગ કોચ બીના દીપેશ જોશી દ્વારા એક વર્ષ પૂર્વે જે મશાલ પ્રગટાવવામાં આવી હતી, તે આજે એક વિશાળ અભિયાન બની ચૂકી છે. શરૂ થયેલી યોગ ટ્રેનર્સ બેચને શહેરની નારીશક્તિ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. આ વાર્ષિક પર્વમાં અંદાજિત ૧૦૦થી વધુ બહેનોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કઠિન યોગાસનો, પ્રાણાયામ અને સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌને યોગની શક્તિનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. સાવરકુંડલાના આંગણે યોગની આ જ્યોત પ્રજ્વલિત રહે તે માટે જાગૃતિબેન ગૌસ્વામીએ પોતાનો હોલ વિનામૂલ્યે આપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે બદલ કાર્યક્રમમાં તેમનું ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોગ કોચ બીનાબેન જોશીએ જણાવ્યું હતું કે, “યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક પવિત્ર કળા છે. આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની આ ધરોહરને અપનાવીને જ આપણે ‘રોગમુક્ત સમાજ’નું સ્વપ્ન સાકાર કરી શકીએ છીએ.” બહેનોએ પણ આ તકે સંકલ્પ લીધો હતો કે તેઓ ઘરે-ઘરે યોગ પહોંચાડીને સાવરકુંડલાને સ્વાસ્થ્ય ક્ષેત્રે મોખરે લાવશે.
કાર્યક્રમના અંતે તમામ બહેનો અને સહભાગીઓ માટે સ્વાદિષ્ટ અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભવ્યતા, શિસ્ત અને ભારતીય સંસ્કૃતિના ગૌરવ સાથે સંપન્ન થયો હતો

















Recent Comments