કેન્દ્ર સરકાર દેશના દરેક મોટા ઍરપોર્ટ પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવાનો વિચાર કરી રહી છે, જેથી કોઈ પણ સંભવિત હુમલાને નિષ્ફળ બનાવી શકાય. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે થયેલા સંઘર્ષમાં ડ્રોનનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો હતો. જેને જોતાં આ નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમ પહેલા મોટા અને સંવેદનશીલ ઍરપોર્ટ પર અને ત્યારબાદ અન્ય ઍરપોર્ટ પર લગાવાશે.આ પહેલીવાર છે જ્યારે માત્ર નાગરિક ઍરપોર્ટ પર આ પ્રકારની સિસ્ટમ લગાવવામાં આવશે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે ચર્ચા માટે કેટલીક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ ચૂકી છે.
ગૃહ મંત્રાલય આ પરિયોજનાની દેખરેખ કરી રહ્યું છે. ત્યારે, નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા એક સમિતિની રચના કરાઈ છે, જેમાં ઉડ્ડયન નિયમનકાર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) અને અન્ય હિસ્સેદારો સામેલ છે.ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, સિસ્ટમની વિશેષતાઓ પર કામ ચાલી રહ્યું છે. મંત્રાલય સંબંધિત ઘટનાક્રમો પર નજર રાખી રહ્યું છે અને વિશેષતાઓને અંતિમ રૂપ અપાયા બાદ ખરીદી શરુ થઈ જશે.
અન્ય એક અધિકારીએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, આ પરિયોજના તબક્કામાં પૂર્ણ કરાશે. શરુઆતના તબક્કામાં દિલ્હી, મુંબઈ, શ્રીનગર, જમ્મુ જેવા સંવેદનશીલ ઍરપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ધીરે-ધીરે આ સુવિધા અન્ય ઍરપોર્ટ પર પણ લાગુ કરાશે.એક અધિકારીએ કહ્યું કે, એક વખત નિર્દેશોને અંતિમ રૂપ આપવા અને ઍરપોર્ટ સંચાલકોને નિયમો અનુસાર ટૅકનોલૉજી સ્થાપિત કરવાના નિર્દેશ અપાયા બાદ સમય મર્યાદા નક્કી કરાશે. ભારતના બહારના અન્ય ઍરપોર્ટ્સ પર સફળતાપૂર્વક હાજર મોડલ્સનું પણ અધ્યયન કરાઈ રહ્યું છે. આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ મે મહિનામાં ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં ડ્રોનના ઉપયોગ છે.




















Recent Comments