સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સહકારી મહાસંમેલન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ સહકારી મહાસંમેલનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેનાર છે.
આ અંગે ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ અમીનના જણાવ્યા અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ‘ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્યભરની વિવિધ સહકારી સંસ્થાઓને સહભાગી બનાવવાનો આ સહકારી મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ છે.
જે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્રે થયેલા વિવિધ સીમાચિન્હરૂપ પ્રકલ્પોથી પણ રાજ્યની સહકારી સંસ્થાઓને આ મહાસંમેલનમાં માહિતગાર કરવામાં આવશે.
તદુપરાંત, સહકારી સંસ્થાઓના વિકાસ, પ્રગતિ, સંચાલન અને વહીવટમાં સહકાર મંત્રાલયની વિવિધ પહેલ કેવી રીતે ઉપયોગી થશે તે અંગે તજ્જ્ઞો દ્વારા ઉપસ્થિત સહકારી આગેવાનોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.
આ સહકારી મહાસંમેલનમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સહકારી સંસ્થાઓના આશરે ૪૫૦૦ જેટલા સહકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં વિવિધ ૮ લાખથી વધુ સહકારી સંસ્થાઓ સાથે ૩૦ કરોડ જેટલા સભાસદો જાેડાયેલા છે. આ જ પ્રકારે, ગુજરાતમાં પણ ૮૯ હજારથી વધુ સહકારી સંસ્થાઓ સાથે ૧.૭૦ કરોડ જેટલા સભાસદો સંકળાઈને આર્થિક લાભ મેળવે છે.
સમગ્ર દેશમાં સહકારી પ્રવૃત્તિએ ૯૬ ટકા ગામડાઓને આવરી લીધાં છે. એટલે કે, સહકારી માળખું આખા દેશમાં શહેરોથી લઈને નાનાં ગામડાઓ સુધી પ્રસરેલું છે. દરેક ગામમાં ખેડૂત સહકારી મંડળીઓ તથા અન્ય મંડળીઓની કામગીરી ચાલી રહી છે તેમ શ્રી અમીને ઉમેર્યું હતું.



















Recent Comments