સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિર અને પ્રાચીન સિદ્ધપીઠ હનુમાન ગઢીથી પ્રજ્વલિત પવિત્ર *’અખંડ જ્યોત’* નું આજે સાવરકુંડલામાં અત્યંત ભક્તિમય વાતાવરણમાં આગમન થયું છે. અયોધ્યાની આ દિવ્ય જ્યોતના પગરણાં થતા જ સમગ્ર પંથક ‘જય શ્રી રામ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે.આ પ્રસંગે તાત્કાલિક હનુમાનજી આશ્રમથી કેવડાપરા વિસ્તાર સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેસરીયા ધ્વજ અને ઢોલ-નગારા સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. માર્ગમાં ઠેર-ઠેર ભાવિકો દ્વારા પુષ્પવર્ષા અને આરતી સાથે જ્યોતનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર શોભાયાત્રાનું સંચાલન ગોપી મહિલા મંડળની બહેનો દ્વારા અત્યંત શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.
નગર ભ્રમણ બાદ, સાવરકુંડલાના સુપ્રસિદ્ધ તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે વેદોક્ત મંત્રોચ્ચાર અને મહાઆરતી સાથે જ્યોતનું મંગલ સ્થાપન કરવામાં આવ્યું હતું. હનુમાન ગઢીના પ્રતાપનું પ્રતીક એવી આ જ્યોતના દર્શન એ ભક્તો માટે ઘરે બેઠા અયોધ્યાના સાક્ષાત્ આશીર્વાદ સમાન છે. આશ્રમ દ્વારા તમામ ભાવિકોને આ દિવ્ય જ્યોતના દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


















Recent Comments