રાષ્ટ્રીય

કેરળમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થતાં જ હેલીપેડ ધસી ગયું, જવાનોએ ધક્કો મારી હેલિકોપ્ટર બહાર કાઢ્યું

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ કેરળ રાજ્યના પ્રવાસે છે. તેમની યાત્રા દરમિયાન દુર્ઘટના ટળી છે, પત્તનામથિટ્ટાના પ્રમદમ સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ હેલિપેડનો એક ભાગ ધસી પડ્યો હતો. જે બાદ જવાનો દોડી પડ્યા હતા. જોકે કોઈ દુર્ઘટના થઈ નહોતી. ઘટના સ્થળે તૈનાત ફાયર તથા પોલીસના જવાનોએ ધક્કો મારીને હેલિકોપ્ટર બહાર કાઢ્યું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.રાષ્ટ્રપતિ મૂર્મુ 21 ઓક્ટોબરે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. તેઓ ત્યાં સબરીમાલા મંદિરની મુલાકાત લેવાના છે. ત્યારબાદ તેઓ ગુરુવારે તિરુવનંતપુરમના રાજભવન ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે અને વરકલામાં શિવગિરી મઠ ખાતે શ્રી નારાયણ ગુરુના મહાસમાધિ શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન પણ કરશે. આ સિવાય,  રાષ્ટ્રપતિ કોટ્ટાયમ જિલ્લાના પાલા ખાતે સેન્ટ થોમસ કોલેજના 75મા વર્ષગાંઠ સમારોહના સમાપન સમારોહમાં પણ હાજરી આપશે. તેઓ 24 ઓક્ટોબરે એર્નાકુલમમાં સેન્ટ ટેરેસા કોલેજના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે, જે કેરળની તેમની મુલાકાતનું સમાપન કરશે.

Related Posts