‘જુરાસિક પાર્ક’ હવે એ માત્ર એક ફિલ્મ જ નહીં પણ લોકોના મનોરંજન માટે નકલી ડાયનોસોરના થીમ પાર્ક જરૂર બન્યા છે અને એવો એક જુરાસિક પાર્ક તાજેતરમાં સિંગાપોરમાં શરૂ થયો છે.
ગુરુવારે ૨૯ મે, ૨૦૨૫ ના રોજ સિંગાપોરમાં એશિયાનો પહેલો જુરાસિક પાર્ક શરૂ થયો છે. ‘જુરાસિક વર્લ્ડ: ધ એક્સપિરિયન્સ’ નામનું આ અદભુત આકર્ષણ ‘ગાર્ડન્સ બાય ધ બે’ ખાતે આવેલા ક્લાઉડ ફોરેસ્ટમાં બનાવાયું છે. લોકો આ પાર્કની મુલાકાત લેવા માટે પડાપડી કરી રહ્યા છે.
થીમ પાર્કનું મુખ્ય આકર્ષણ જીવંત લાગે એવા ડાયનોસોર છે. પાર્કમાં ૧૦ અલગ-અલગ ઝોન બનાવાયા છે, જે જુદાજુદા પ્રકારના અનુભવો પ્રદાન કરે છે. અહીં પહાડો, ધોધ, જંગલ બનાવીને કુદરતી લાગે એવા દૃશ્યો ઊભાં કરવામાં આવ્યા છે. લાંબી ગરદન ધરાવતા શાકાહારી ડાયનોસોરથી લઈને ખૂંખાર ટી-રેક્સ, ભયાનક વેલોસિરાપ્ટર અને ઉડતા પેટેરાનોડોન જેવા વિવિધ પ્રજાતિના ડાયનોસોર અહીં જાેવા મળે છે. તમામ ડાયનોસોર એકદમ સાચુકલા લાગે એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
કોસ્ટા રિકાના કાલ્પનિક ટાપુ ઇસ્લા નુબ્લરથી પ્રેરિત આ પાર્કના ડાયનોસોર ફક્ત જાેવા પૂરતા નથી. પ્રેક્ષકો એમની નજીક જઈને એમને સ્પર્શી શકે, એમની સાથે ફોટો પડાવી શકે, એમની સાથે થોડીઘણી રમત પણ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે આ થીમ પાર્કની મુલાકાતને યાદગાર બનાવી દે છે. ચિચિયારીઓ પાડતા, હલનચલન કરતા એનિમેટ્રોનિક ડાયનોસોર મુલાકાતીઓને જુરાસિક કાળની સફર કરાવવામાં સફળ થાય છે. મીઠડાં લાગે એવાં બેબી ડાયનોસોર આ પાર્કનું વિશેષ આકર્ષણ બની જાય એમ છે. ગુસ્સે ભરાયેલા ડિલોફોસોરસ તો પ્રેક્ષકો પર ‘ઝેરીલી લાળ’ પણ થૂંકે છે. અલબત્ત, એ ફક્ત રંગીન પાણી હોય છે. પણ એ અનુભવ માણીને પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
આ પાર્કમાં દિવસના અજવાળામાં સાફસાફ દેખાતા ડાયનોસોર સાંજ પડતાં જ કૃત્રિમ લાઇટોમાં નહાઈ ઊઠે છે અને એમાં તેઓ ઔર ડરામણાં લાગે છે. પાર્ક અન્ડરગ્રાઉન્ડ પણ વિસ્તરે છે. સુવિનિયર શૉપમાંથી મુલાકાતીઓ ડાયનોસોરને લગતાં સંભારણાં અને રમકડાં પણ ખરીદી શકે છે.
દરરોજ સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ પાર્કની મુલાકાત માટે પુખ્ત વયના વિદેશીઓએ ટિકિટના ૪૬ જીય્ડ્ઢ (સિંગાપોર ડોલર) એટલે કે લગભગ ૩૦૪૬ રૂપિયા ખર્ચવા પડશે. ૩ થી ૧૨ વર્ષના બાળકો માટેની ટિકિટ ૩૨ ડોલર (૨,૧૧૯ રૂપિયા)ની થશે. ૩ વર્ષથી ઓછી વયના બાળકો માટે એન્ટ્રી ફ્રી છે.
ઉલ્લેખનીય છે કે, સિંગાપોરના રહેવાસીઓ માટે ટિકિટના દર ઓછા રાખવામાં આવ્યા છે. પુખ્ત વયના સિંગાપોરના નાગરિકે ટિકિટ માટે ૨૬ ડોલર (૧,૭૨૧ રૂપિયા) ખર્ચવા પડશે. ૩ થી ૧૨ વર્ષના બાળકો અને ૬૦ થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટના દર ૨૨ ડોલર (૧,૪૫૬ રૂપિયા) રાખવામાં આવ્યા છે.
સિંગાપોરમાં એશિયાનો પહેલો જુરાસિક પાર્ક શરૂ થયો; ‘જુરાસિક વર્લ્ડ: ધ એક્સપિરિયન્સ’

Recent Comments