ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાએ એક્સરે મોબાઇલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને આગામી વર્ષ-૨૦૨૫ સુધીમાં “ટીબી હારેગા દેશ જીતેગા” ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે. ભાવનગર જિલ્લામાં ૧૦૦ દિવસ ટીબી કેમ્પેઇનના ભાગરૂપે આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ચંદ્રમણી કુમાર, CSR ના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ડૉ.પી.કે.શુક્લા, મહુવા હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડૉ.કે.ડી.પારેખ, ઇન્ચાર્જ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. આનંદ, હનુંમત હોસ્પિટલના સીઇઓ શ્રી ડૉ. ચિંતન શનિશ્વરા, ક્રિટીકલ કેર એન્ડ પલ્મોનોલોજીસ્ટ શ્રી ડૉ. બકુલ કલસરિયા સહિતના અધિકારીશ્રીઓએ એક્સરે વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
એક્સરે મોબાઇલ વાન થકી શંકાસ્પદ દર્દીઓ તથા છેલ્લા પાંચ વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓના કુટુંબીજનો, ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા લોકો, ડાયાબીટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો, સ્લમ વિસ્તાર, કુપોષિત લોકો, બંદિવાન તેમજ અન્ય જોખમી (હાઈરીસ્ક) લોકોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો મુજબ એક્સ-રે કરીને ટીબીના રોગને અટકાવવાની કામગીરી કરવામાં આવશે. આ વાન દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં જઇ નિ:ક્ષય શિબીરનું આયોજન કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનિય છે કે, ૧૦૦ દિવસ ટીબી કેમ્પેઈન થકી ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મુકી સંક્રમણની કડીને તોડી શકાશે અને મરણના પ્રમાણમાં પણ ઘટાડો થશે.
Recent Comments