અમરેલી

અમરેલીમાં વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને પ્લાસ્ટિક ઉપયોગ અટકે તે માટે જાગૃત્તિલક્ષી કાર્યક્રમ યોજાયો

પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને અમરેલીમાં વનચેતના કેન્દ્ર ખાતાકીય નર્સરી ખાતે પર્યાવરણ પ્રકૃતિના જતન માટે જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને વન વિભાગના અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓ પર્યાવરણના જતન માટે પ્રતિબધ્ધ બન્યા હતા. પર્યાવરણની જાળવણી માટે જન જાગૃત્તિ આવે બાઈક રેલી પણ યોજવામાં આવી હતી.

અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ નિવારવા માટે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહત્તમ વૃક્ષોના વાવેતર, ઈલેક્ટ્રિક વાહન વસાવવા, પાણી બચાવવા વગેરે વિષયક પ્રેરક જાણકારી અને વિગતો આપવામાં આવી હતી.

અમરેલી પ્રાંત અધિકારી શ્રી નાકિયાએ પણ પર્યાવરણના જતન માટે માર્ગદર્શક સૂચનો ક્લાઈમેટ ચેન્જની અસરો વિશે માર્ગદર્શન આપ્યા હતા. આ તકે અમરેલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જે.એસ.ખાખસે પર્યાવરણ જાળવણી માટેના શપથ પણ લેવડાવ્યા હતા.

અમરેલી આયુર્વેદ કોલેજના નેત્ર ચિકિત્સાલય વિભાગના વિદ્યાર્થીઓ પર્યાવરણ સંરક્ષણનાં કાર્યક્રમો દર વર્ષે જોડાતા હોવાથી પ્રોત્સાહનરુપે સર્ટિફિકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ માટે યોજાયેલી જનજાગૃત્તિ માટેની બાઇક રેલી, વન ચેતના કેન્દ્ર – ખાતાકીય નર્સરીથી સેન્ટર પોઇન્ટ, નાગનાથ સહિત અમરેલીના રાજમાર્ગો પર ફરી હતી,  વન ચેતના કેન્દ્ર – ખાતાકીય નર્સરી બાઈક રેલીનું સમાપન થયું હતું.

ઉલ્લેખનીય  છે કે, વિશ્વ પર્યાવરણ દિવસની “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શનનો અંત” ની થીમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી શરુ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જે. એસ. ખાખસ, આસિસ્ટન્ટ પ્રોફેસર વિજય કોડિયાતર, વન વિભાગના  શ્રી વી. ડી. જોશી, શ્રી કે.એસ. કણજારિયા સહિતના અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Related Posts