ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અન્વયે અમરેલી જિલ્લાની રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી, અમરેલી, સાવરકુંડલા, દામનગર નગરપાલિકા તેમજ બગસરા તાલુકા પંચાયતની વાઘણીયા જૂના, બાબરા તાલુકા પંચાયતની કરિયાણા, ધારી તાલુકા પંચાયતની મીઠાપુર ડુંગરી બેઠકોની ચૂંટણીઓનું મતદાન તા.૧૬ ફેબ્રુઆરીએ અને મતગણતરી તા.૧૮ ફેબ્રુઆરીએ યોજાશે.
આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ શકે તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલિપસિંહ ગોહિલે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ની પેટા કલમ-૦૧ (આર) અન્વયે અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પરવાનગી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
આ જાહેરનામા મુજબ, પરવાનગી-સિવાય ચૂંટણી પ્રચાર પ્રસાર સભા, સરઘસ કે વાહન પર માઇક વગાડી કે રાખી શકાશે નહીં. સવારના ૮.૦૦ કલાક થી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી માઇકનો ઉપયોગ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીની પરવાનગી મેળવીને કરવો. પરવાનગી માટે ૪૮ કલાક પહેલા અરજી કરવાની રહેશે. નિયત સમય સિવાય ઉપયોગમાં લેવાયા લાઉડ સ્પીકર કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે.
Recent Comments