અમરેલી

લીલીયાના ક્રાંકચમાં બેંક ક્લાર્ક પર ધોળા દિવસે જીવલેણ હુમલો, યુવકના પગ ભાંગી નાખ્યા

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે ધોળા દિવસે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં જિલ્લા મધ્યસ્થ બેંકમાં ફરજ બજાવતા એક કર્મચારી પર અંગત અદાવત કે અન્ય કારણોસર ત્રણ શખ્સોએ ઘાતક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ક્રાંકચ ગામની જિલ્લા મધ્યસ્થ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા ગૌતમ વાળા એક દુકાને પાન-માવા ખાઈ રહ્યા હતા. તે સમયે જસદણ બાજુથી એક કારમાં ધસી આવેલા ત્રણ શખ્સોએ ગૌતમ વાળા પર ઓચિંતો હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને ઢસડીને પાઈપ વડે ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.આ હિચકારા હુમલામાં આરોપીઓએ લોખંડના પાઈપ વડે નિર્દયતાથી માર મારીને ગૌતમ વાળાના બંને પગ ભાંગી નાખ્યા હતા. ભરબજારે બનેલી આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આરોપીઓની બર્બરતા સ્પષ્ટ જોઈ શકાય છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો છે.આ મામલે લીલીયા પોલીસ મથકે જસદણના ત્રણ શખ્સો દેવકું વાળા, લઘુવીર ગીડા અને નાગરાજ વાળા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. લીલીયા પોલીસે આ ગંભીર ઘટનાની નોંધ લઈ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે બેંક કર્મચારી પર થયેલા હુમલાને કારણે નાનકડા ક્રાંકચ ગામમાં ભય અને અરેરાટી વ્યાપી ગઈ છે.

Related Posts