વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
વિકાસ સપ્તાહ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તરીકે શપથ લીધી હતા. આ ૨૪ વર્ષની વિકાસગાથાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત ૦૭ ઓક્ટોબરે યુવા સશક્તિકરણ દિવસ, ૦૮ ઓક્ટબરે રોજગાર મેળો યોજાશે, ૦૯ ઓક્ટોબરે પોષણ દિવસની ઉજવણી થશે. ૯-૧૦ ઓક્ટોબર દરમિયાન જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા દિવસ, ૧૧ ઓક્ટોબરે પંચાયત વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાશે, ૧૨-૧૩ ઓક્ટોબરે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાશે. ૧૪ ઓક્ટોબરે રવિ કૃષિ મહોત્સવ યોજાશે, જ્યારે ૧૫ ઓક્ટોબરના રોજ વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ કોનક્લેવ, હેકેથોન, નિબંધ સ્પર્ધા, ક્વિઝ, વેબીનાર વર્કશોપ અને રિસર્ચ પેપર પ્રેઝેન્ટેશન કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રસંગે નાગરિકોને વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
નિવાસી અધિક કલેક્ટરશ્રીએ શપથના પ્રારંભે વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજન અંગે માહિતી આપી હતી. આ ઉજવણીના ભાગરુપે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ભારત વિકાસ પ્રતિજ્ઞા
હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..
* મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
* હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
* હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
* હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
* જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
* પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.
* રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.
આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટરશ્રી, દિલિપસિંહ ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી, અમરેલી એમ.જે. નાકિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉકાણી ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.



















Recent Comments