અમરેલી

અમરેલીના જરખીયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ચોવટીયાએ  પ્રાકૃતિક કૃષિનું મોડેલ ફાર્મ બનાવ્યું

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે.  અમરેલીના જરખીયા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી, ભરતભાઈ ચોવટીયાએ પરંપરાગત રસાયણયુક્ત ખેતીને હંમેશ માટે ત્યાગીને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવી છે.

પ્રગતિશીલ ખેડૂતશ્રી, ભરતભાઈ ચોવટીયાએ જણાવ્યુ કે, એક સમયે હું મકાઈ સહિતના પાકનું વાવેતર કરતો હતો. મકાઈમાં વારંવાર જીવાતો આવવાના કારણે દવા છંટકાવ કરવો પડતો તેમ છતાં યોગ્ય પરિણામ નહોતુ મળતું આથી મેં પ્રાકૃતિક કૃષિની નવી દિશા તરફ વિચાર્યું હતુ અને એ વિચાર થકી છેલ્લા ૭ વર્ષથી હું પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું. તેમણે ઉમેર્યું કે,  મગફળી, તુવેર, ઘઉં, ધાણા, વરીયાળી સહિતના વિવિધ પાકનું વાવેતર કરી પ્રાકૃતિક કૃષિનું મોડેલ ફાર્મ બનાવ્યું છે, જેમાં એકરદીઠ ઉત્પાદન અને આવક બંને વધ્યા છે.

અનેક ખેડૂતોના પ્રેરણાસ્ત્રોત પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ ચોવટીયા બહુવિધ પાક અને મૂલ્યવર્ધન થકી સોશિયલ મીડિયા સહિત દેશી માર્કેટિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉત્પાદિત વિવિધ પાકનું વેચાણ કરે છે અને સારી આવક મેળવી રહ્યા છે. તેમને સફળ પ્રાકૃતિક કૃષિ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે સન્માન પણ પ્રાપ્ત થયું છે.

શ્રી, ભરતભાઈ જણાવે છે કે, ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્કની મદદથી પ્રાકૃતિક કૃષિમાં અનેક પ્રકારના લાભ મળે છે. જમીનની ફળદ્રુપતા વધે છે અને સારૂં પાક ઉત્પાદન પણ મળે છે.

યોગ્ય માર્ગદર્શન, દ્રઢ સંકલ્પ, મહેનતથી પ્રાકૃતિક કૃષિમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. પ્રાકૃતિક કૃષિ એ સમયની પ્રમુખ માંગ પૈકીની એક માંગ છે. આજે નહીં તો કાલે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું પડશે અને ભવિષ્યની પેઢીઓની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. પ્રગતિશીલ ખેડૂત શ્રી, ભરતભાઈ ચોવટીયા મોડેલ પ્રાકૃતિક કૃષિ ફાર્મ બનાવીને પરંપરાગત કૃષિ કરતા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

Related Posts