ગુજરાત

ભરૂચ: જંબુસર-આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ 3 દિવસ બંધ

ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર નદી પરના મહત્ત્વના બ્રિજ પર આજથી (22મી નવેમ્બર) લોડ ટેસ્ટિંગનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. બ્રિજની સલામતી અને તેની વર્તમાન વહન ક્ષમતાની ચકાસણી કરવી જરૂરી હોવાથી, આ બ્રિજને 22મી નવેમ્બરથી 24મી નવેમ્બર સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.બ્રિજ બંધ રહેવાના કારણે બંને શહેરો વચ્ચે રોજબરોજ મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આમોદ અને જંબુસર વચ્ચેનો સીધો સંપર્ક તાત્કાલિક ધોરણે તૂટ્યો છે. રોજ અવરજવર કરતા વિદ્યાર્થીઓ, સરકારી-ખાનગી કર્મચારીઓ, વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરોને હવે લાંબો વૈકલ્પિક માર્ગ લેવાની ફરજ પડશે. આ બ્રિજ બંને વિસ્તારોના લોકો માટે જીવનરેખા સમાન છે, તેથી બ્રિજ બંધ થવાથી સ્થાનિક વેપાર અને દૈનિક વ્યવહારો પર અસર થશે.ભરૂચ તરફથી જંબુસર તરફ આવતા વાહનો માટે આમોદ શર્મા હોટલ ત્રણ રસ્તા, સરભાણ ગામ, દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે થઈ પાદરા પહોંચી ત્યાંથી જંબુસર જવાનો માર્ગ સૂચવાયો છે.જંબુસર તરફથી ભરૂચ આવતા ભારે વાહનોને દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે, પાદરા ટોલનાકા થઈ ભરૂચ જવાનું રહેશે.ઉલ્લેખનીય છે કે, લોડ ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ બ્રિજની સુરક્ષા ચકાસીને તેને ફરીથી સામાન્ય વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. સરકારી તંત્ર દ્વારા સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ પગલાને કારણે થોડી અસુવિધા થશે, પરંતુ ભવિષ્યમાં સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આ કાર્ય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

Related Posts