દેશની સુરક્ષા અને અખંડિતતાના પ્રતીક સમાન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત
‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026’ ની બીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત તા. 06/02/2026, શુક્રવારના રોજ સવારે ગોપનાથથી નીકળેલા CISF ના જવાનોનું
ભાવનગરની નારી ચોકડી ખાતે આગમન થતા ભાવનગર સાયકલ ક્લબ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં
આવ્યું હતું.
વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આ 25 દિવસીય સાયક્લોથોન દેશના 6,533 કિમી લાંબા
દરિયાકાંઠાને આવરી લેશે. જેનો મુખ્ય હેતુ “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” થીમ હેઠળ દરિયાકાંઠાની સુરક્ષા અંગે જાગૃતિ
લાવવા અને માછીમારોને સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવાનો છે.
જ્યારે સાયકલ સવારોની આ ટુકડી નારી ચોકડી પહોંચી, ત્યારે ભાવનગર સાયકલ ક્લબના સભ્યો દ્વારા
તેઓને પુષ્પગુચ્છ (બુકે) અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. ક્લબ દ્વારા આ સાહસિક જવાનોની દેશભક્તિ અને
સહનશક્તિને બિરદાવવા માટે ખાસ ‘મેમોન્ટો’ (સ્મૃતિચિહ્ન) આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સાયક્લોથોનની વિશેષતા એ છે કે તેમાં 65 મહિલાઓ સહિત કુલ 130 જવાનો ભાગ લઈ રહ્યા છે, જે
નારી શક્તિ અને શારીરિક સજ્જતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ જવાનોએ એક મહિનાની સઘન તાલીમ
મેળવી છે. પશ્ચિમ અને પૂર્વ કિનારાથી શરૂ થયેલી આ બે ટીમો કેરળના કોચીમાં ભેગી થશે અને અંતે કન્યાકુમારી
ખાતે આ યાત્રાનું સમાપન થશે.
આ પ્રસંગે ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “દેશની સીમાઓની રક્ષા
કરતા જવાનો જ્યારે સાયકલિંગ જેવા સ્વાસ્થ્યપ્રદ માધ્યમથી સુરક્ષાનો સંદેશ ફેલાવે છે, ત્યારે તે પ્રોત્સાહન આપવું એ
ક્લબની ફરજ છે.”




















Recent Comments