fbpx
ભાવનગર

આવા બહાદુર પતિ પાછળ રડવાનું ન હોય, તેને તો સલામી આપવાની હોય, નિડર પત્રકારના નિડર પત્નીની ખુમારી

ગુજરાતના પત્રકારત્વ ક્ષેત્રે બહુ મોટું યોગદાન આપનાર ભાવનગરના પીઢ પત્રકાર અને જાણીતા લેખક – કવિ મહેન્દ્રભાઈ ગોહિલનું આજે તા.6 ઓક્ટોબર 2020ના વહેલી સવારે દુઃખ અવસાન થયેલ છે. થોડા દિવસ પહેલા ભાવનગરના હલુરિયા ચોકમાં રખડતા ઢોર તેમના વાહન સાથે અથડાતા અકસ્માત થતા તેઓ સારવાર તળે અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ હતા. ત્યાં આજે અચાનક તેમની તબિયત લથડતા તેઓનું 74 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ તેમની બહાદુરી, સચોટતા, અને કોઈની શહેશરમ વગર બેબાક સત્ય લખવા માટે જાણીતા હતા, 

ગુજરાતી પત્રકારત્વમાં મહામુલું યોગદાન આપનાર મહેન્દ્ર ગોહિલ પત્રકાર ઉપરાંત કવિ અને લેખક પણ હતાં, તેઓ સમય સાથે પરિવર્તનમાં માનતા હતા, તેઓ યુવા પત્રકારો માટે હરતી હરતી વિશ્વવિદ્યાલય સમાન હતા. તેઓ સ્થાનિક સમાચારો માટે  ડીઝીટલ લોકલ ન્યૂઝ ચેનલ શરૂ કરનારા માત્ર ગુજરાતમાં જ નહિં દેશમાં પહેલા પત્રકાર હતા. તે ઉપરાંત તેઓ સોશ્યલ મીડિયામાં વોટ્સએપ સમાચારનો આઈડિયા આપનાર પોતે હતા. તેઓએ સાહિત્ય ક્ષેત્રે મોટું ખેડાણ કરી કવિ તરીકે ‘ઉલ્કા’ નામે નામના મેળવી હતી.  અનેક રાજકીય નેતાઓ તેમની વ્યૂહરચના પર ચાલવાનું પસંદ કરતાં હતાં. તેમની સલાહ મેળવતા હતા.
 મહેન્દ્ર ગોહિલ સાવ નોખી માટીના પત્રકાર હતા, તેમની ધારદાર દલીલો, સવાલો અનેકને પરસેવો લાવી દેતા, તેઓ એક પત્રકાર તરીકે ભાજપ હોય કે કોંગ્રેસ કોઈની શહેશરમ ભરતા નહિં, નરેન્દ્ર મોદીની વિરુદ્ધ પણ લખતા અને સોનિયા ગાંધીને પણ આડે હાથ લેતા, તેમના સંબંધ દરેક સાથે હતા પણ ફરજ ના ભોગે નહિં. તે તેમની ખાસિયત હતી મહેન્દ્રભાઈ અને તેમના ધર્મપત્ની ભારતીબેનનું એક બીજા માટે કરેલું કમિટમેન્ટ હતું કે જે જીવન યાત્રામાં જે પહેલા વિદાય લે તેને બચેલા જીવનસાથી એ પોતાના હાથે અગ્નિદાહ દેવાનો.  ધર્મપત્ની ભારતીબેન એ કઠણ હૈયે આ વચન નિભાવ્યું. હિન્દૂ રીવાજ મુજબ સ્મશાનમાં મહિલા જતા નથી પણ ભારતીબેન ગયા. અને હિંમતભેર પતિ મહેન્દ્રભાઈને અગ્નિદાહ પણ આપ્યો.! જોગાનુજોગ તેમના દિકરો સંકેત-દિકરી ચિંતન બન્ને હાલ વિદેશ છે. ત્યારે ભારતીબેન હિંમત હાર્યા વગર અડીખમ રહ્યાં. અને કહ્યું કે આવા બહાદુર પતિ પાછળ રડવાનું ન હોય, તેને તો આ ખુમારી વાળી જીવનયાત્રા માટે સલામી આપવાની હોય અને અંતિમ સલામી આપી હતી. 

Follow Me:

Related Posts