fbpx
ભાવનગર

યુવા ટેક્નોસેવી સરપંચને કારણે ૧૦ હજારની વસતિ ધરાવતાં ભાવનગરના સિહોર તાલુકાના દેવગાણા ગામે કોરોનાને હંફાવ્યો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, ૧લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારું ગામ-કોરોનામુક્ત ગામ’ અભિયાન વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી શરું થયું છે.
કોરોના સંક્રમણની આ વિકટ સ્થિતિમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહીં તેમજ ગામોમાં વસતાં નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત અને સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમાં એક પખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે.

છેલ્લાં ૧૩ દિવસથી ચાલી રહેલાં આ અભિયાનને પગલે અનેક ગામોએ કોરોનાને હંફાવવામાં સફળતા મેળવી છે. કોરોનાથી મુક્ત થનાર દરેક ગામની પોતાની આગવી કહાની છે. આજે આપણે એવાં ગામની વાત કરવી છે. જેણે રાજ્ય સરકારના અભિયાનને સાચા અર્થમાં આત્મસાત કરતાં ગામમાં ૧૦૦ ટકા રસીકરણની સિધ્ધિ મેળવી છે. તે સાથે કોરોનાને પણ શિકસ્ત આપી છે.

ગામના માત્ર ૩૦ વર્ષના યુવા સરપંચશ્રી ભાવેશકુમાર બારૈયાનું સરાહનીય કામ અને ટેક્નોલોજીના સથવારે ગામ લોકોની જાગૃતિને કારણે કોરોનાને ‘ગામના ગોંદરે’ જ ‘રૂક જાવ’ કહી દીધું છે.
ગામના સરપંચ ભાવેશકુમાર કહે છે કે, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું ૧૦ હજારની વસતિ ધરાવતાં દેવગાણા ગામમાં ૨૩ મી માર્ચના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ કેસ નોંધાતાં જ ગામમાં ઢંઢોરો પીટાવી ગામ લોકોને કોરોનાની ગંભીરતા સમજાવી હતી.

આ ઉપરાંત ગામનાં દરેક ઘરના વડા અને ઘરના વડીલોનું ‘વ્હોટ્સ એપ’ ગૃપ બનાવીને તેમાં ગામમાં થનાર તમામ પ્રવૃત્તિઓની વિગત મૂકતાં હતાં. આ સિવાય કોરોનાને લગતાં ઉપચાર, સારવાર તથા સમાચારની વિગતો પણ આ ગૃપમાં મૂકતાં હતાં. આનાથી ગામ લોકોને ગામમાં થનાર પ્રવત્તિની અગાઉથી જાણ થતાં બીજા દિવસે થનાર પ્રવૃત્તિમાં ભાગ લેનાર ગ્રામજનોની સંખ્યા વધુ રહેતી હતી.

માત્ર ૨૬ વર્ષની નાની વયે જ ગામમાં બીનહરીફ સરપંચ તરીકે ચૂંટાયેલાં યુવા સરપંચ કહે છે કે, આજે ટેક્નોલોજી દ્વારા એક જ સંદેશાથી ગમે ત્યારે ગામ લોકોને મેસેજ આપી શકાય તે માટે આ વ્હોટ્સ એપ ગૃપ બનાવ્યું છે. જેથી લોકોને ભેગાં કર્યા સિવાય ગામ લોકોને તેઓ ઘર, ખેતર ગમે ત્યાં હોય ત્યાં માહિતી મળી જાય. આમ, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય અને તમામ લોકોને જાગૃત પણ કરી શકાય.

આ ઉપરાંત કોરોના સામે રક્ષણ મળે તે માટે ‘કોવેક્સિન રસી’ આપવાં માટે ગામમાં આવેલાં ૧૦ વોર્ડદીઠ પંચાયતના સભ્યની નિમણૂંક કરી જે-તે વોર્ડમાં જાગૃતિ લાવવાની જવાબદારી આ સભ્યોને સોંપી હતી.

આમ, એક બાજુ ટેક્નોલોજીનો ઉપયોગ તેમજ ગામલોકોના સહયોગની બેવડી રીત દ્વારા દેવગાણા ગામે મેનેજમેન્ટના નિષ્ણાતો પણ પ્રેરણા લે તે રીતે આધુનિક સાથે પરંપરાગત પધ્ધતિનો સમન્વય સાધીને ૧૦૦ ટકા રસીકરણની સિધ્ધિ મેળવવાં તરફ અગ્રેસર થવાનો માર્ગ પકડ્યો છે.

જેના પરિણામે રાજ્ય સરકારે શરૂ કરેલાં પ્રથમ રસીકરણ અભિયાન અંતર્ગત દેવગાણા ગામમાં ૧૦૦ ટકા રસીકરણ થઇ ગયું છે. આ ઉપરાંત બીજા તબક્કામાં ગામના ૮૫ ટકા લોકોએ રસીકરણ કરાવી લીધેલ છે. બાકી રહેલાં ૧૫ ટકા ગામ લોકોનું આગામી ૫ દિવસમાં રસીકરણ કરી દેવામાં આવશે. આમ, અમારું ગામ ૧૦૦ ટકા રસીકરણ કરાવ્યું હોય તેવાં રાજ્યના જૂજ ગામોમાં સમાવેશ પામશે.

કોરોનાને હરાવવાની રણનીતિ અંગે તેઓ કહે છે કે, કોરોનાની શરૂઆતથી જ ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરી દીધું હતું. તેથી ગામના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી રહી હતી. ગામમાં આ મહામારીને લીધે ૧૫૦ લોકો સંક્રમિત થયાં. અત્યારે ગામમાં માત્ર ૫ લોકો જ કોરોનાથી પ્રભાવિત છે અને તેઓની પણ તબિયત સારી છે.

આ માટે વહેલી સવારેઃ ૫-૦૦ વાગ્યે આયુર્વેદિક ઉકાળો ઉકળવાં મૂકતાં હતાં. બે કલાક બાદ આ ઉકાળાને ગામ લોકોના સહકારથી ગામમાં આવેલ ડેરી ખાતે મૂકતાં હતાં કે જેથી સવારે દૂધ ભરાવવાં આવતાં લોકો ત્યાંથી ઉકાળો લઇ જઇ શકે.

પી.ટી.સી. થયેલાં સરપંચ શિક્ષણનું મહત્વ જાણીતા હતાં તેથી ગામના આગેવાનો સાથે ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં ૫ વિદ્યાર્થીઓને આ કામ માટે ઉભા રાખતાં હતાં. જેથી તેઓ ગામ લોકોને સમજાવીને ઉકાળો લેવાનું મહત્વ સમજાવી શકે. આ ઉપરાંત ગામમાં પંચાયતના ખર્ચે બે વખત સમગ્ર ગામમાં દવાનો છંટકાવ પણ કર્યો છે.

ગામ લોકો મહત્તમ લોકો રસીકરણ કરાવે તે માટે તેઓ જાતે લોકોને પંચાયત ઘરે બોલાવીને સમજાવતાં હતાં. ઘણાં લોકો અંધશ્રધ્ધાને કારણે રસી લેવાં માંગતાં નહોતાં. તો તેવાં લોકોને પણ ‘તમે રસી લઇ લો, તમને કંઇ થાય તો અમે બેઠાં છીએ’ તેઓ ભરોસો આપીને મહત્તમ રસીકરણ થાય તેના પર ભાર મૂક્યો હતો.

કોરોનાને હરાવવાં માટે રસીકરણ એ જ અમોઘ શસ્ત્ર છે ત્યારે ગામનો એક પણ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહી જાય તેવી કટિબધ્ધતાથી કાર્ય કરવાથી અમારું ગામ ૧૦૦ ટકા રસીકરણની અનેરી સિધ્ધિ મેળવશે.

કોરોનાની મહામારીથી બચાવવાં માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘મારું ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત દેવગાણા ગામે બી.બી. શાહ હાઈસ્કૂલ ખાતે ૧૨ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ આઇસોલેશન સેન્ટર ખાતે ટાણાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા દિવસમાં સવાર- સાંજ બે વખત મુલાકાત લેવામાં આવે છે અને જરૂરિયાત મુજબ ગામ લોકોને દવા આપવામાં આવે છે.
આ આઇસોલેશન સેન્ટર ખાતે ૧૨ બેડ સાથે પાણી, પંખા સહિતની વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે. અહીં દાખલ દર્દીને ફ્રુટ્સ પણ સરપંચશ્રી દ્વારા પોતાના ખર્ચે પૂરાં પાડ્યા હતાં. આ સેન્ટર ખાતે માત્ર એક જ કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવેલ હતાં. તેમને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં પરંતુ તેમની પણ તબિયત સારી થઇ જતાં તેઓ પણ પરત ઘરે આવી ગયેલ છે.

ગામના આગેવાન અભેસંગભાઇ ચૌહાણ કહે છે કે, ગ્રામજનોની સ્વયંશિસ્ત અને સમજદારીપૂર્વકના વર્તનને કારણે અમારું ગામ કોરોનાથી બચી શક્યું છે
‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ સૂત્ર થકી લોકો વધુમાં વધુ બહાર ન નીકળે તે માટેના પ્રયત્નો હાથ ધરવાં સાથે પંચાયત દ્વારા આખા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત વધારેમાં વધારે લોકો માસ્ક પહેરે તે અંગે વોટ્સઅપ મિડિયા થકી જાણ કરી રહ્યાં છીએ અને પંચાયત દ્વારા બનતાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
દેવગાણા ગામમાં કોરોનાના કેસ ન વધે તે માટે જરૂરિયાત મુજબ જ ગામની કરિયાણાની દૂકાન ખોલવામાં આવે છે અને બપોર બાદ ગામમાં સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ‘મારું ગામ- કોરોના મુક્ત ગામ’નું જે અભિયાન ઉપાડ્યું છે તેના કારણે ગામમાં જ કોરોનાની સારવાર માટેની ગામે-ગામ સુવિધા ઉભી થઇ છે. રાજ્ય સરકારનું રસીકરણ સાથે કોરોનાના દર્દીઓને બચાવવાનું આ અભિયાન અમારાં જેવા રાજ્યના તમામ ગામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી દરેક ગામમાં એક સમયે વધી ગયેલ કોરોના સંક્રમણને અટકાવીને વર્તમાનમાં કોરોનાથી મુક્ત બનવાનો માર્ગ પ્રશસ્ત થયો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/