નાના ભૂલકાંઓના વાલીઓ બાળ ઉછેર અને તેમના સર્વાંગી વિકાસ માટે સજાગ બને તે ઉમદા આશય સાથે અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને ભૂલકાં મેળો- ૨૦૨૫ યોજાયો હતો.
અમરેલી જિલ્લા પંચાયતના પરિસરમાં ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ સ્કીમ – આઈ.સી.ડી.એસ શાખા દ્વારા આયોજિત આ ભૂલકાં મેળામાં આંગણવાડીના બાળકો અને તેમના માતાઓ ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનો વગેરે ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
અમરેલી જિલ્લામાં આઇ.સી.ડી.એસના ૧૩ ઘટકોના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા “પા પા પગલી” પ્રોજેક્ટ અંતર્ગત નિર્મિત ૨૬ ટીચિંગ લર્નિંગ મટીરીયલ – TLM એટલે કે, બાળકો સરળતાથી શીખી શકે તેવા કલાત્મક મોડલ્સનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ મુજબ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે નાના બાળકોનું ઘડતર પણ એટલું જ મહત્વનું છે. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા નાના ભૂલકાઓમાં સંસ્કાર સિંચનનું ખૂબ મહત્વનું કામ થઈ રહ્યું છે, આ બાળકોના સર્વાંગી વિકાસથી રાષ્ટ્ર નિર્માણ શક્ય બનશે. આ સાથે તેમણે સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે માટે આવનાર નવરાત્રી વગેરે તહેવારમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો પણ અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ આઇ.સી.ડી.એસ વિભાગની અગત્યતા સમજાવતા જણાવ્યું કે, બાળકોના જન્મ પહેલા અને પછી પણ તેમના આરોગ્ય અને સર્વાંગી વિકાસની દરકાર આઇ.સી.ડી.એસ દ્વારા લેવામાં આવે છે, જે ખૂબ જવાબદારીભર્યું કામ છે, તેને સુપેરે નિભાવવાનો અનુરોધ કર્યો હતો. ઉપરાંત તા.૧૭મી સપ્ટેમ્બરથી પોષણ માસ અને સ્વચ્છતા હી સેવા અભિયાન -સ્વચ્છતાત્સવની ઉજવણી થનાર છે. તેમાં પણ સૌને ઉત્સાહભેર સહભાગી બનવા અપીલ કરી હતી.
આ પ્રસંગ અગ્રણી શ્રી અરવિંદભાઈ ચાવડાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. નાના ભૂલકાઓએ પણ જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી અને અગ્રીમ સ્થાન હાંસલ કરનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રેષ્ઠ ટીચિંગ લર્નિંગ મટીરીયલ બનાવવામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર આંગણવાડી કાર્યકર બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન ભટ્ટે શાબ્દિક સ્વાગત અને સીડીપીઓ મમતાબેન કથીરિયાએ આભાર વિધિ કરી હતી
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, અગ્રણી સર્વશ્રી જીતુભાઈ, શ્રી નીતિનભાઈ, શ્રી ધીરુભાઈ, શ્રી વિપુલભાઈ ભટ્ટી સહિતના મહાનુભાવો ઉપરાંત નેશનલ ન્યુટ્રીશન મિશનના ફાલ્ગુનીબેન યાદવ, ઉદય વાવડીયા, પા પા પગલી પ્રોજેક્ટના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments