અમરેલી

“હોદ્દો મોટો પણ હૃદય વિનમ્ર: સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સન્માન સ્વીકારી વડીલના ચરણ સ્પર્શ કર્યા, સંસ્કારની ગરિમા ઝળકી”

​‘સંસ્કાર ગળથૂંથીમાં હોય છે’ – આ ઉક્તિ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ યોજાયેલા એક કાર્યક્રમમાં સાર્થક કરી બતાવી હતી. સાવરકુંડલા શહેર માટે ‘સ્માર્ટ જી.આઈ.ડી.સી.’ (GIDC) જેવી મોટી ભેટ અપાવવા બદલ ધારાસભ્યશ્રીના સન્માનમાં પરજિયા સોની જ્ઞાતિની વાડી ખાતે એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

​આ પ્રસંગે શહેરના વિવિધ વેપારી મંડળો, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ તેમજ ઉદ્યોગપતિઓ દ્વારા મહેશભાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સૌથી ભાવુક અને અદભૂત ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સ્વ. લલ્લુભાઈ શેઠના આદર્શોને વરેલા *’શ્રી નૂતન કેળવણી મંડળ’* ના પ્રતિનિધિ મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

​જ્યારે પ્રતિનિધિ મંડળે ધારાસભ્યશ્રીને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કર્યું, ત્યારે મહેશભાઈએ માત્ર સન્માન સ્વીકાર્યું જ નહીં, પરંતુ સામે ઉભેલા વરિષ્ઠ અગ્રણી શ્રી મુકુંદભાઈ નાગ્રેચાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. સત્તાના ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં વડીલો પ્રત્યેની આ વિનમ્રતા અને શાલીનતા પત્રકાર બિપીનભાઈ પાંધીના કેમેરામાં કેદ થઈ હતી, જે હવે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

​સાવરકુંડલા બનશે ‘સુવર્ણ કુંડલા’

​ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા આજે વિકાસના નવા સોપાન સર કરી રહ્યું છે. શહેરમાં હાલ અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેમાં:

​રિવર ફ્રન્ટ અને અટલ સરોવર

​અદ્યતન ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

​આઈકોનિક રોડ અને પાણી વિતરણનું સુવ્યવસ્થિત આયોજન જેવા અનેક પ્રોજેક્ટો. 

​સ્માર્ટ GIDCની જાહેરાત બાદ સાવરકુંડલા હવે ઔદ્યોગિક ક્ષેત્રે પણ હરણફાળ ભરશે. આ વિકાસ કાર્યો જોતા સાવરકુંડલા હવે ‘સુવર્ણ કુંડલા’માં પરિવર્તિત થઈ રહ્યું હોય તેવા સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે.

​જનતાનું કર્તવ્ય

​મહેશભાઈ કસવાળાના કુટુંબનો ઇતિહાસ ગૌરવશાળી રહ્યો છે, અને તેમની ઋજુતા તેમજ કાર્યશૈલીએ સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ભાગ્ય ઉઘાડ્યા છે. ત્યારે આવા કાર્યનિષ્ઠ અને સંસ્કારી જનપ્રતિનિધિને સાથ સહકાર આપવો એ હવે સાવરકુંડલાના સુજ્ઞ નાગરિકોની ફરજ બની રહે છે

Related Posts