• ભાજપની સરકારે નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. વર્ષોથી નળ નાખ્યા પરંતુ હજુ સુધી જળ પહોંચ્યું નથી : શ્રી અમિતભાઈ ચાવડા
• ત્રીસ વર્ષથી ભાજપની સરકાર, આદિવાસી વિસ્તારમાં અનેક ગામોમાં પુલ અને રસ્તા ના હોવાથી સગર્ભા મહિલાઓના મોત માટે સરકાર જવાબદાર : શ્રી અમિતભાઈ ચાવડા
• છોટાઉદેપુર જિલ્લામાં મોટાભાગના પુલ જર્જરિત અને ભયજનક, ગંભીરા જેવી દુર્ઘટના થશે તો સરકાર જવાબદાર: શ્રી અમિતભાઈ ચાવડા
• પોલીસ ખુદ મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં પાયલોટીંગ કરે છે. મહિલાઓનો આક્રોશ છે કે દારૂ બંધ કરાવવા સરકાર સામે ગાંધીનગર કૂચ કરીશું : શ્રી અમિતભાઈ ચાવડા
• છોટાઉદેપુરમાં ખનન માફિયાઓ બેફામ છે. ભાજપના રાજમાં આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલ સંકટમાં છે : શ્રી અમિતભાઈ ચાવડા
• ભાજપ સરકાર અને તેના મળતિયાઓ ખાતરની કાળાબજારી કરી રહ્યા છે : ડૉ. તુષારભાઈ ચૌધરી
જન આક્રોશ યાત્રાના નવમાં દિવસની શરૂઆત કવાંટથી કરવામાં આવી, ત્યારબાદ યાત્રા માનાવાંટ, પાનવડ, સીંગળા, પાદરવાંટ, સીમળ ફળિયા, મલધી, તેજગઢ, છોટાઉદેપુર, કુંડળ, ભીખાપુરા, જેતપુર, સિંહોદ, જબુગામ માર્ગે બોડેલી તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ભાજપના રાજમાં મનરેગા અને નલ સે જલ યોજનામાં વ્યાપક કૌભાંડ થયું છે. છોટાઉદેપુર જિલ્લાના કટકાવાંટ, ચીમળી સહિતના અનેક ગામોમાં 10 વર્ષ અગાઉ નલ સે જલ યોજના હેઠળ નળ નાખવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી નળોમાં પાણી પહોંચ્યું નથી. આથી સ્પષ્ટ થાય છે કે યોજનાના નામે કરોડો રૂપિયાની રકમ ખર્ચવામાં આવી હોવા છતાં ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી, જે ગંભીર ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાનું જીવતું ઉદાહરણ છે.
વિકાસના નામે આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલ છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં મોટાપાયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. ગ્રામજનોની મંજૂરી વગર જ બારોબાર તલાટીઓ દ્વારા લીઝ ફાળવવામાં આવી રહી છે અને સ્પષ્ટ વિરોધ હોવા છતાં ખનન માફિયાઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી, કારણ કે આ ભાજપના જ મળતિયાઓ છે જે ખનન કરી રહ્યા છે. ઉપરાંત, ત્રણ દાયકાથી વધુ સમયથી રાજ્યમાં ભાજપની સરકાર છે છતાં આજે પણ જિલ્લામાં કેટલાય એવા ગામો છે જ્યાં આજદિન સુધી રોડ કનેક્ટિવિટી નથી. વર્ષોથી વારંવાર રજૂઆતો કરવા છતાં ગામોને જોડતા રોડ-રસ્તાઓ અને પુલો બનાવવામાં આવ્યા નથી. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી, ચોમાસામાં આ ગામોનો સંપર્ક તૂટી જાય છે, સગર્ભા બહેનોના મોત થાય છે છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી.
છોટાઉદેપુર જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. અહીંના સ્થાનિકોનો આરોપ છે કે રોજ મોટી સંખ્યામાં દારૂની ગાડીઓ આવે છે. ખુદ પોલીસ જ મધ્યપ્રદેશ બોર્ડરથી ગુજરાતમાં દારૂ ઘુસાડે છે અને બુટલેગરોને રક્ષણ આપે છે. આ નશાના દૂષણને દૂર કરવા મહિલાઓ ખુદ રજૂઆત કરી રહી છે કે દારૂના કારણે યુવાઓ બરબાદ થઈ રહ્યા છે અને દારૂ બંધ થવો જોઈએ. ઉપરાંત, જ્યાં યાત્રા જાય છે ત્યાં બે–ચાર દિવસ અગાઉ અડ્ડાઓ બંધ થઈ જાય છે, પરંતુ યાત્રા આગળ વધે એટલે ફરી શરૂ થઈ જાય છે, કારણ કે હપ્તા લેવાયેલા હોય છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે જો સરકાર દારૂ બંધ નહીં કરાવે તો જનતા તેનો અંત લાવવાની તૈયારી કરી ચૂકી છે.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભાજપના રાજમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સહકારી સંસ્થાઓમાં ભાજપના મળતિયાઓએ બેફામ લૂંટ મચાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં APMC જેવી સંસ્થાઓનો ઉપયોગ ભાજપના લોકો માત્ર પોતાના સ્વાર્થ અને વેપાર માટે કરી રહ્યા છે. ગોડાઉનો વેપારીઓને નહીં પરંતુ પોતાના મળતિયાઓને જ ફાળવવામાં આવે છે. ઉપરાંત ખેડૂતોને ખાતર સમયસર મળતું નથી અને મોટાપાયે કાળાબજારી થઈ રહી છે. સાથે જ કપાસને યોગ્ય ભાવ ન મળતા ખેડૂત આર્થિક રીતે કંગાળ બની રહ્યા છે. સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂતો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી શ્રી બીવી શ્રીનિવાસ, પૂર્વ વિપક્ષ નેતા શ્રી સુખરામભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શ્રી શશિકાંત રાઠવા, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા.


















Recent Comments