ગુજરાત

ખેડૂતો, મોંઘવારી અને બેરોજગારી જેવા પાયાના મુદ્દાઓ પર ભાજપ સરકાર સદંતર નિષ્ફળ: જન આક્રોશ યાત્રા થકી કોંગ્રેસ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરશે: અમિત ચાવડા

•             કોંગ્રેસની બીજા ચરણની જન આક્રોશ યાત્રાનો ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલ ધામથી પ્રારંભ: શ્રી અમિત ચાવડા

•             ખેડૂતો, મોંઘવારી અને બેરોજગારી જેવા પાયાના મુદ્દાઓ પર ભાજપ સરકાર સદંતર નિષ્ફળ: જન આક્રોશ યાત્રા થકી કોંગ્રેસ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરશે: શ્રી અમિત ચાવડા

•             ડબલ એન્જિનની સરકાર છતાં ભાજપને ખેડૂતોના દેવા માફી કેમ કરતી નથી?: શ્રી અમિત ચાવડા

‘જન આક્રોશ યાત્રા’ ના બીજા ચરણની શરૂઆત ફાગવેલ ધામ શ્રી ભાથીજી મંદિર કપડવંજ થી પ્રારંભ થયો હતો, મધ્ય ગુજરાતના પ્રખ્યાત ડાકોર રણછોડ ભગવાનના મંદિરે પગપાળા જઈ ધ્વજા આરોહણ અને દર્શન કરી ગુજરાતની જનતાના સુખાકારી માટે જનઆક્રોશ યાત્રા બુલંદ અવાજ બને તેવા આશીર્વાદ મેળવ્યા હતા.

જન આક્રોશ સભાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે, આપણે એ દિવસો યાદ કરવા જોઈએ કે જ્યારે કેન્દ્રમાં યુ.પી.એ (UPA) ની સરકાર હતી, ખેડૂતોના ૭૨,૦૦૦ કરોડના દેવા માફ કરતા હતા, ખેત ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળતા હતા, બધી જ સગવડો હતી. તેમ છતાં ગુજરાતની ભાજપની સરકાર, તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર ટીવીમાં, પેપરમાં ગુજરાતની જનતાને ‘થપ્પડ’ એવી જાહેરાતો આપતા હતા. આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો. ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા. ૨૬ કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી. પેકેજના નામે પડીકું આપ્યું. ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફીની માંગ આજે બુલંદ થઈ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં માં પીરસનારી હોય એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ, ગુજરાતમાંથી વડાપ્રધાન છે એવું ગૌરવ લેતા આ ગુજરાતના ખેડૂતો આજે નિરાશ થયા છે, હતાશ થયા છે. ભાજપની કહેવાતી ડબલ એન્જિનની સરકારે ખૂબ વાયદા વચનો કર્યા હતા, વિશ્વાસ મૂકીને ગાંધીનગર અને દિલ્હીમાં સત્તા સોંપી હતી. પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે, પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો, દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા છે, ચારે તરફ નુકસાન થયું છે.

ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે, ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે, જે વાયદા વચનો આપ્યા હતા એ ક્રૂર મજાક છે. એનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનારા સમયમાં આપશે. અને સમગ્ર ગુજરાતમાંથી જે માંગ ઉઠી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, એ ખેડૂતોના અવાજને અમે બુલંદ કરીશું અને ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીને જ જંપીશું.

છેલ્લા ૧૦ વર્ષથી કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ ડબલ એન્જિન સરકારે એક પણ એવો કાયદો કાનૂન નથી બનાવ્યો કે જેનાથી ગામડાં તૂટતા અટકે, સ્થળાંતર અટકે, લોકોને કાયમી રોજગારની ગેરંટી મળે. ભાજપ સરકાર જે અધિકારો કોંગ્રેસની સરકારે આપ્યા છે, એને પણ છીનવી રહી છે. યોજનાઓનું ખાલી નામ બદલવાથી કોઈનું ભલું થતું નથી. જો તમારામાં થોડી પણ શરમ હોત, તો આ ગાંધીના ગુજરાતમાંથી તમે આવ્યા છો. આખી દુનિયા ગાંધીજી સામે મસ્તક નમાવે છે, અને એ ગાંધીજીનું નામ આ યોજનામાંથી હટાવી અને એમનું જે અપમાન કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ, એ ગુજરાત અને ગાંધીવાદીઓ ક્યારેય ભૂલવાના નથી. ગુજરાતમાં મનરેગામાં કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. લોકોની રોજગારીને બદલે ભાજપના મળતિયાઓ અને નેતાઓ એમની તિજોરી ભરી રહ્યા છે. જો સરકારમાં થોડી ઘણી શરમ હોત તો આવી તપાસ કરાવત, એવા ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખત. એ રોજગાર માટેના કાયદામાં સુધારો કરી જે એના વેતનના દર છે એમાં વધારો કરત, એના રોજગારના દિવસો ૨૦૦ કરતા વધારે કરત. પણ ફક્ત ને ફક્ત નામ બદલી અને કોંગ્રેસની સરકારના કાયદા યોજનાઓને પોતાના નામે જે ઉતારવાનો પ્રયત્ન કરે છે, પણ એની સાથે સાથે જે ગાંધીજીનું અપમાન થયું છે અને ૧૨ કરોડ કરતા વધારે મનરેગાના મજૂરોને અન્યાય થયો છે, એનો જવાબ આવનારા દિવસોમાં આ જનતા માંગશે અને એનો હિસાબ પણ કરશે.

વડોદરા જિલ્લો, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ, આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે ૨૦ તારીખથી શરૂ કરીને ૬ જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે. તમામ વિસ્તારના લોકોને મળીશું, એમની સાથે સંવાદ કરીશું, જે પાયાની હકીકતો છે, જે વિકાસની પોલ છે, એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતની યાત્રા બાદ છોટા ઉદેપુરના કવાટ ખાતે યોજાયેલી જન આક્રોશ રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જે દર્શાવે છે કે હવે જનતા ડર અને ભયના માહોલમાંથી બહાર આવી રહી છે. રાજ્યમાં રસ્તાઓની હાલત, તૂટતા બ્રિજોની ઘટનાઓ – મોરબી, પાલનપુર, આણંદ સહિતની દુર્ઘટનાઓ – સ્પષ્ટ કરે છે કે માર્ગ અને મકાન વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા એવી છે કે હવે સત્તાધારી પક્ષના ધારાસભ્યો પણ સરકાર અને અધિકારીઓ સામે ફરિયાદો કરી રહ્યા છે. જો શાસક પક્ષના ધારાસભ્યોનું અવાજ ન સાંભળવામાં આવતું હોય તો સામાન્ય જનતાની હાલત શું હશે, એ કલ્પી શકાય છે. આ જ કારણોસર ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો અને મધ્ય ગુજરાતમાં તેનાથી પણ વધુ જનસમર્થન મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. જનઆક્રોશ યાત્રાનો હેતુ ગુજરાતની જનતાના પ્રશ્નો, સમસ્યાઓ, સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અને ભેદભાવને વાંચા આપવા માટે ‘જનતાનો કૉલ’ અને ‘જનતાનો અવાજ’ તરીકે જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી. આ ગુજરાતની પ્રજાના જનઅધિકાર માટે અને હિત માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને ૨૦૨૭ માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. એ પરિવર્તનનો શંખનાદ આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી, પ્રાર્થના કરી અને અમે આ ‘જનાક્રોશ યાત્રા’ ના બીજા ચરણની આજે શરૂઆત કરવામાં આવી હતી.

મધ્ય ગુજરાતના પ્રખ્યાત ડાકોર રણછોડ ભગવાનના મંદિરે પગપાળા જઈ ધ્વજા આરોહણ અને દર્શન કરી ગુજરાતની જનતાના સુખાકારી માટે જનઆક્રોશ યાત્રા બુલંદ અવાજ બને તેવા આશીર્વાદ મેળવ્યા હતા.

મધ્ય ગુજરાતની જન આક્રોશ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી જગદીશભાઈ ઠાકોર, સાંસદશ્રી ગેનીબેન ઠાકોર, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારીશ્રી રામકિશન ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી જીગ્નેશભાઈ મેવાણી, વરિષ્ઠ આગેવાનશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જીલ્લા પ્રમુખશ્રીઓ, પૂર્વ જીલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા-શહેર પ્રમુખશ્રીઓ, આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts