અમરેલી

સાવરકુંડલામાં ભાજપની સેન્સ પ્રક્રિયા: સેવાનો જુવાળ કે ‘રાજકીય રોજગારી’ની હોડ?

સેવા તણા મહોરાં પહેરીને 

સૌ લાઈનમાં ઊભા છે,

ખરેખર આ સેવા છે કે                       રોજગારીના નુસખા છે?

​સંગઠનના દીવા બળે છે 

આજે સાવ એકલા મિત્રો 

કારણ કે પદ મેળવવાના 

ખેલમાં સૌ અટવાયેલા છે.

–“પાંધી સર”

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે સાવરકુંડલામાં ભાજપની સેન્સ પ્રક્રિયાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. નિરીક્ષકો સમક્ષ ઉમેદવારી માટે જે પ્રકારે દાવેદારોનો રાફડો ફાટ્યો છે, તેણે નગરજનો અને બુદ્ધિજીવીઓમાં અનેક સવાલો જન્માવ્યા છે.

​સેન્સ પ્રક્રિયા દરમિયાન એક-એક બેઠક પર અનેક દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. અંદાજિત ૩૦૦થી વધુ લોકોએ ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરી છે. આટલી મોટી સંખ્યામાં દાવેદારો જોઈને રાજકીય વિશ્લેષકોમાં એવી ચર્ચા જાગી છે કે, શું આ ખરેખર લોકસેવાની ભાવના છે કે પછી રાજકીય ક્ષેત્રને એક સુરક્ષિત ‘રોજગારી’ અને હોદ્દો મેળવવાના સાધન તરીકે જોવામાં આવી રહ્યું છે? 

​એક મહત્વની વિગત એ પણ સામે આવી છે કે જ્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે  અન્ય સમાંતર કાર્યક્રમોમાં કાર્યકરોની હાજરી નોંધપાત્ર રીતે ઓછી જોવા મળી હતી. મોટાભાગના કાર્યકરો અને સમર્થકો નિરીક્ષકો સમક્ષ શક્તિપ્રદર્શન કરવામાં વ્યસ્ત રહેતા સંગઠનના અન્ય કામો પર તેની સીધી અસર જોવા મળી હતી.​નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોને સાંભળવામાં આવ્યા છે અને હવે અહેવાલ મોવડીમંડળને સોંપવામાં આવશે. પરંતુ એક જ જ્ઞાતિ અને વિસ્તારમાંથી અનેક મુરતિયાઓ મેદાનમાં હોવાથી, કોઈ એકની પસંદગી કરવી અને બાકીના નારાજ દાવેદારોને સાચવવા એ પક્ષ માટે મોટો પડકાર સાબિત થશે.

Related Posts